મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

મૂકો લાપસીનાં આંધણઃ કેરળમાં ચોમાસાનું આગમન

કેરળના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ જોગાનુજોગ વરસાદના વધામણા વખતે પીએમ મોદી અને રાહુલ ગાંધી કેરળમાં : કેરળમાં બે થી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડશેઃ ૪ જીલ્લામાં રેડ એલર્ટઃ હવામાન ખાતુ

નવી દિલ્હી, તા. ૮ :. ભયાનક ગરમીનો સામનો કરતા લોકો અને ખેડૂતો માટે ખુશખબર છે. થોડુ મોડુ સહી પણ આખરે નેઋત્ય ચોમાસુ આખરે કેરળમાં દબદબાભેર આવી પહોંચ્યુ છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂકયુ છે અને કેરળના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોગાનુજોગ આજે ચોમાસાનુ આગમન થયુ તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેરળમાં છે એટલુ જ નહિ રાહુલ ગાંધી પણ કેરળમાં છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાનખાતાએ જણાવ્યુ છે કે કેરળમાં આવતા બે થી ત્રણ દિવસ સુધી સરેરાશથી લઈને ભારે વરસાદ પડવાની શકયતા છે. સામાન્ય રીતે ચોમાસુ ૧ જૂને કેરળમાં બેસી જતુ હોય છે પરંતુ આ વખતે થોડુ મોડુ છે. આજે કેરળમાં ચોમાસાનુ આગમન જ નથી થયુ પરંતુ સારો એવો વરસાદ પણ વરસ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે. અત્રે નોંધનીય છે કે, ભારતની ૯૦ ટકા ખેતી ચોમાસા પર જ નિર્ભર છે. આજે સારો વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા મલ્કી ઉઠયા છે.

અત્રે એ નોંધનીય છે કે, ગયા વર્ષે કેરળમાં વિનાશક પૂર આવ્યુ હતુ અને ૩૫૦ લોકોના મોત થયા હતા. ૧૦મી સુધી અર્નાકુલમ, માલાપુરમ, કોઝીકોડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડવાની શકયતા છે. કોઈપણ સ્થિતિના સામના માટે તંત્ર સજ્જ છે.

ચોમાસાની પરિભાષામાં રેડ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ. આગામી ૧૦મી જૂન દરમિયાન એર્નાકુલમ, માલાપ્પુરમ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે આગામી ૧૧ જૂન માટે કોઝીકોડે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટનો મતલબ છે અતિ ભારે વરસાદ જે આગામી ૯-૧૦ જૂન માટે જાહેર કરવામાં આવ્યું છે. રાજયના થિરવંથપુરમ, કોલ્લામ, અલાપ્પુઝુઆ, એર્નાકુલમ, અને થ્રીસુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત ચોમાસામાં આવેલા વિનાશક પૂરથી બોધપાઠ લઈને રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડિઝાસ્ટર રિલીફ હેન્ડબૂક તૈયાર કરવામાં આવી છે.

આ હેન્ડબુકમાં ૩૦ વિભાગો માટે સૂચના તૈયાર કરવામાં આવી છે, જેમાં ભાર વરસાદ, અતિ ભાર વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતીમાં કેવી રીતે તૈયારી કરવી તેની માહિતી પુરી પાડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ દક્ષિણ પશ્યિમ અરબ સમુદ્રના કાંઠે ૩૫-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની હવા સાથે ટકરાશે. સોમાલિયા, લક્ષદ્વીપ, અને માલદીવ થઈને મન્નારની ખાડીમાં માછીમારોને ૭-૧૧ જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

કેરળના સિંચાઈ વિભાગે જણાવ્યું છે કે રાજયના ૧૪-૧૬ ડેમ માટે ઇમર્જન્સી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન સેન્ટ્રલ વોટર કમિશનને સોંપવા આવ્યો છે. કુલ ૨૪ ડેમ માટે આ પ્રમાણેના એકશન પ્લાન તૈયાર કરીને સોંપવામાં આવશે.

(3:50 pm IST)