મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

ભારતીય જળસીમામાં ઈરાની જહાજ ઝડપાયું: ડ્રગ્સ હોવાની શંકા

૭ ક્રુ મેમ્બરો સાથેના 'સી શેલ' નામના જહાજને કોડીનારના મૂળ દ્વારકા દરીયા કિનારે લાવીને તપાસનો ધમધમાટ

કોડીનારઃ ભારતીય જળસીમામાં ઘુસેલા જહાજને ઝડપી લેવામાં આવ્યા બાદ આ જહાજને કોડીનારના મૂળ દ્વારકા દરીયા કિનારે લાવવામાં આવી રહયું છે. દરમિયાન જાણવા મળ્યા મુજબ આ જહાજ ઇન્ડોનેશીયામાંથી કુવેત જઇ રહયું હતું. જેમાં ડ્રગ્સ જેવો પદાર્થ હોવાનું ખુલ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રુમેમ્બરોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. તસ્વીરમાં કોસ્ટગાર્ડની ટીમે જપ્ત કરેલ જહાજ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક પાઠક-કોડીનાર)

કોડીનાર, તા. , ૮ : ભારતીય જળસીમામાં ઘુસેલા ઈરાની જહાજ તથા તેની સાથેના બે  ટગને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડયા છે. આ જહાજમાં ડ્રગ્સ હોવાની ભારતીય સુરક્ષા એજન્સીઓને શંકા છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રીના  ઇન્ડોનેશીયાથી કુવૈત જઈ રહેલુ 'સી શેલ' નામનુ જહાજ બે ટગ સાથે ભારતીય જળસીમામા ઘુસી આવ્યુ હતું. આ જહાજની શંકાસ્પદ હીલચાલને કારણે ભારતીય કોસ્ટગાર્ડની ટીમે આ જહાજને ઝડપી પાડયુ હતું.

ત્યાર બાદ કોસ્ટગાર્ડની ટીમો દ્વારા જહાજમાં રહેલા ૭ ક્રુ મેમ્બરોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જહાજની તલાસી લેતા તેમાંથી ડ્રગ્સ જેવો પદાર્થ પણ જપ્ત થયો હોવાનું જાણવા મળ્યુ છે.

આ જહાજને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓની ટીમો દ્વારા કોડીનાર નજીકના મૂળ દ્વારકા બંદરે લાવવામાં આવી રહ્યુ છે. જ્યાં ક્રુ મેમ્બરોની પુછપરછ હાથ ધરવામાં આવશે. આ જહાજ ટેકનીકલ ખામી સર્જાતા ભારતીય જળસીમામાં ઘુસી ગયુ હતું કે ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાનુ કાવત્રુ રચ્યુ હતું ? તે અંગે ક્રુ મેમ્બરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

છેલ્લા થોડા સમયથી ભારતીય જળસીમામાં ડ્રગ્સની હેરાફેરીના બનાવો વધી રહ્યા છે. જે દેશ માટે ચિંતાજનક બાબત છે.

જહાજ સાથે રહેલ ટગના બે વખત દોરડા તુટી ગયા'તા

કોડીનારઃ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા નજીક શંકાસ્પદ જહાજ અને ટગને લાવવામાં આવ્યા છે.

આ દરમિયાન સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, જહાજ સાથે રહેલ બે ટગના બે વખત દોરડા તુટયા હતા. જેમાં એક વખત દિવ નજીક પણ દોરડું તુટયું હતું પરંતુ જહાજમાં રહેલ ક્રુ મેમ્બરોએ આ ટગને ડુબતુ બચાવી લીધું હતું.

સેટેલાઇટથી ફોનનું કનેકશન ઝડપાતા પર્દાફાશ થયો

કોડીનારઃ ભારતીય જળ સીમામાં ઘુસી આવેલ જહાજમાં ડીઝલ ખાલી થઇ જતા જહાજના ક્રુ મેમ્બરે જહાજના માલીકને ફોન કર્યો હતો.

જેથી સેટેલાઇટના માધ્યમથી કોસ્ટગાર્ડને ભારતીય જળ સીમામાં કોઇ જહાજ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોર્સ્ટ ગાર્ડની ટીમ અને સુરક્ષા એજન્સીઓની ટીમ તુરત જ સતર્ક થઇ ગઇ હતી અને ભારતીય જળસીમામાંથી આ જહાજને ઝડપી પાડયું હતુ.

જહાજમાં પ ભારતીય ક્રુ મેમ્બરો હોવાની પણ શંકા

કોડીનારઃ ભારતીય જળ સિમામાં ઘુસી ગયેલા જહાજને કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડયું છે ત્યારે આ જહાજમાં ૧૪ ક્રુ મેમ્બરો મળ્યા છે. જેમાંથી પ ભારતીય અને  ૯ ઇરાની ક્રુ મેમ્બરો હોવાનું જાણવા મળ્યું છે.  જહાજનું રજીસ્ટ્રેશન ઇન્ડોનેશીયાનું છે. જયારે ઇરાનના માલીકે કુવૈતના અન્ય વ્યકિતને આ જહાજ વેચ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

(2:31 pm IST)