મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

દક્ષિણ-પશ્વિમ મોનસુનની ૨૪ કલાકમાં કેરળમાં એન્ટ્રી થશે

મોનસુનમાં વિલંભ થતા લોકોમાં નિરાશા ફેલાઈ : મોનસુન સૌથી પહેલા કેરળના દરિયાકાંઠા પર પહોંચે છે અને ત્યારબાદ દેશના અન્ય હિસ્સામાં આગમન : રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૭ : કેરળમાં દક્ષિણ-પશ્વિમ મોનસુનની આગામી ૨૪ કલાકમાં એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. મોનસુનની એન્ટ્રી સામાન્ય રીતે પાંચમી જુનના દિવસે થવાની હતી. પરંતુ આ વખતે વિલંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, મોનસુન સૌથી પહેલા કેરળના દરિયાકાંઠે પહોંચે છે અને ત્યારબાદ દેશના અન્ય હિસ્સાઓમાં મોનસુનની એન્ટ્રી થાય છે. ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, કેરળમાં આગામી ૨૪ કલાકની અંદર મોનસુની વરસાદ થશે. ત્યારબાદ બે દિવસ પછી પૂર્વોત્તર ભારતમાં મોનસુનની એન્ટ્રી થશે. મોનસુનમાં વિલંભ થવાથી કૃષિ ક્ષેત્રને અસર થવાની શક્યતા છે. કેટલીક જગ્યાઓએ પહેલાથી જ દુકાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. આઈએમડીના પ્રમુખનુ કહેવુ છે કે, દક્ષિણથી લઈને ઉત્તર ભારતમાં મોનસુન પાંચથી સાત દિવસ મોડેથી આવશે. હવામાન વિભાગનું કહેવુ છે કે, મોનસુનને લઈને હાલમાં કોઈ પણ પ્રકારની વાત કરવી વહેલી તકે હશે. મોનસુનની પ્રગતિના સંદર્ભમાં વાત કરી શકાય તેમ નથી. જોકે દેશભરમાં જુન મહિનામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે. હવામાન વિભાગની આગાહીની જેમ જ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે, ચોથી જુનના દિવસે મોનસુનની એન્ટ્રી થઈ જશે. જોકે, ત્યારબાદ તારીખને વધારીને સાતમી જુન કરી દેવામાં આવી હતી. મોનસુનમાં થઈ રહેલા વિલંભને લઈને કેટલાક લોકોએ ખાસ પ્રાર્થના પણ શરૂ કરી દીધી છે. બેગલોરમાં પણ ખાસ પૂજા થઈ રહી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ મોનસુનમાં બે-ત્રણ દિવસનો વિલંબ થઈ શકે છે. ભારતભરમાં હાલમાં ભીષણ ગરમી પડી રહી છે. ખાસ કરીને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પારો ૫૦ની આસપાસ પહોંચી ગયો છે. ચુરુમાં થોડા દિવસ પહેલા પારો ૫૦થી પણ ઉપર પહોંચી ગયો હતો. આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.

રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં ભીષણ ગરમી પડી રહી છે. ભીષણ ગરમીના કારણે હજુ સુધી દેશમાં ૪૦થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. સૌથી વધુ મોત તેલંગાણામાં થયા છે. મોનસુનમાં થઈ રહેલા વિલંબના કારણે લોકોને હજુ તીવ્ર ગરમીનો સામનો કરવો પડી શકે છે. તીવ્ર ગરમીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણી જગ્યાએ બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા છે.

(12:00 am IST)