મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

હવે આયુષ્માન ભારત યોજના દિલ્હીમાં લાગુ ન કરવા નિર્ણય

અમારી યોજના કેન્દ્ર સરકાર દસ ગણી મોટી છે : ત્રીજી જુનના દિવસે પત્ર લખીને કેન્દ્ર સરકારની યોજનાને અમલી કરવા આરોગ્ય મંત્રી હર્ષવર્ધને સુચના આપી હતી

નવી દિલ્હી, તા. ૭ : દિલ્હીની કેજરીવાલ સરકારે રાજ્યની હેલ્થ સ્કીમને વધુ સારી ગણાવીને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાને લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ત્રીજી જુનના દિવસે પત્ર લખીને કેન્દ્ર સરકારની યોજનાને અમલી કરવા માટે દિલ્હી સરકારને સુચના આપી હતી. પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય યોજના અંગે અંતર રજુ કરીને દિલ્હી સરકારની આરોગ્ય યોજનાને અમલી કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે આયુષ્માન ભારત યોજનાને લાગુ નહી કરવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલનું કહેવુ છે કે, તેમની યોજના આયુષ્માન ભારત યોજના કરતા દસ ગણી મોટી યોજના છે. હર્ષવર્ધનને લખવામા આવેલા જવાબમાં કહ્યું છે કે, દિલ્હી સરકારની યોજનામાં આયુષ્માન યોજનાની તમામ બાબતોનો ઉલ્લેખ છે. સાથે સાથે દિલ્હીના લોકોની તમામ સુવિધાઓને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. કેજરીવાલે પોતાની હેલ્થ સ્કીમને વધુ સારી ગણાવીને કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ અને હરિયાણા દિલ્હી સાથે જોડાયેલા રાજ્ય છે. અહીં કેન્દ્રની આયુષ્માન યોજના લાગુ છે છતાં બંન્ને રાજ્યોમાંથી લાખો લોકો દિલ્હી સરકારની હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચે છે. બીજી બાજુ દિલ્હીમાંથી કોઈ પણ વ્યક્તિ સારવાર માટે આ બંન્ને રાજ્યોમાં જતા નથી. આનાથી જાહેર થાય છે કે, દિલ્હીની આરોગ્ય યોજના સારી રીતે ચાલી રહી છે. કેજરીવાલે એમ પણ કહ્યું છે કે, દિલ્હીમાં પહેલાથી જ ચાલી રહેલી આરોગ્ય યોજનાને બંધ કરીને તેની જગ્યાએ નવી યોજનાને લાગુ કરવાથી કોઈ ફાયદો થશે નહીં. આયુષ્માન ભારત યોજનાને લાગુ કરવામાં આવશે તો દિલ્હીના લોકોને નુકસાન થશે. હર્ષવર્ધનને તેમની યોજનામાં કોઈ ખાસ વિશેષતા છે તો એ દર્શાવવા અપીલ પણ કેજરીવાલે કરીને રજુઆત કરી છે.

(12:00 am IST)