મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

ફેસબુકના પ્રાઇવસી સેટીંગમાં ગરબડ : ૧૪ મિલિયન યુઝર્સનો ખાનગી ડેટા જાહેર

ન્યૂયોર્ક તા. ૮ : વિશ્વની સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે ગુરૂવારે પોતાના સોફટવેરમાં ગડબડ થઈ હોવાની વાત સ્વીકારી હતી. કંપનીએ કહ્યું હતું કે આ ગડબડના કારણે ૧૪ મિલિયન યુઝર્સનો પ્રાઈવેટ ડેટા જાહેર થઈ ગયો છે. આ ઘટના અંગે ફેસબુકે નિરાશા વ્યકત કરી છે.

સોફટવેરમાં આ ખરાબીની વાત ૧૮ મેથી ૨૭ મે દરમિયાન સામે આવી હતી. કંપનીના પ્રાઈવસી ઓફિસર ઈરિન ઈગ્નએ સોફટવેરમાં ખરાબી હોવાની વાત જાહેર કરી હતી.

 હકિકતમાં ફેસબુકના સોફટવેરમાં બગ હોવાની વાત કહેવામાં આવી રહી છે. આ બગ જાતે જ યુઝર્સની નવી પોસ્ટ પબ્લિક કરી દે છે, ભલે યુઝર્સે તે પોસ્ટને પ્રાઈવેટ સેટિંગમાં ફ્રેન્ડ્સ ઓન્લીનો વિકલ્પ જ કેમ ન રાખ્યો હોય પરંતુ તેમ છતાં નવી પોસ્ટ કોઈ પણ જોઈ શકે તેવી રીતે અપલોડ થઈ જાય છે.

૨.૨ બિલિયન યુઝર્સ ધરાવતા ફેસબુક પહેલા ટ્વિટરે પણ પોતાના સોફટવેરમાં ખરાબી હોવાની વાત જાહેર કરી હતી. ટ્વિટરે ડેટા ચોરીની આશંકા સમાપ્ત કરવા માટે પોતાના યુઝર્સને પાસવર્ડ બદલવાનું કહ્યું હતું. કંપનીએ સુરક્ષાના કારણો આગળ ધરીને આ વાત કરી હતી.

(12:39 pm IST)