મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

NDAની બેઠક અનિર્ણાયક : બેઠકો પર ચર્ચા ટળી

જમીને છુટા પડયા : કુશવાહા ગેરહાજર

નવી દિલ્હી તા. ૮ : આંતરિક મતભેદ ભૂલાવવા અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈને આગળની રણનીતિ ઘડવાની દિશામાં ભાજપની પહેલ પર બિહારમાં બોલાવવામાં આવેલી એનડીએની બેઠક શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં કોઈ મતભેદ સપાટી પર આવ્યો નહીં અને કોઈ ગરમાવો પણ જોવા મળ્યો નહતો. સૂત્રોના મતે બેઠક એક ઔપચારિક ડિનરમાં તબદિલ થઈ રહી ગઈ.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસોથી બિહારના રાજકારણમાં ભાજપ અને સહયોગી દળ વચ્ચે વાકયુદ્ઘ ચાલી રહ્યું છે. પહેલા જેડીયુએ જણાવ્યું કે નીતિશ એનડીએનો ચહેરો હશે અને બાદમાં એલજેપીએ પણ પોતાનો દાવો કર્યો હતો. ગુરૂવારે એનડીએના એક અન્ય સહયોગી અને કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ બગાવતનું બ્યૂગલ ફૂંકયું હતું. કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીએ તો ત્યાં સુધી માંગ કરી કે એનડીએ કુશવાહાને બિહારના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવે.

સૂત્રોના મતે આ મીટિંગમાં બેઠકની ફાળવણી અને ગઠબંધનની રણનીતિને લઈને વિસ્તારથી કોઈ વાતચીત ના થઈ. બિહારના સીએમ નીતિશ કુમાર બેઠકમાં ગયા પરંતુ વહેલા નિકળી ગયા હતા.  ઉપેન્દ્ર કુશવાહા બેઠકમાં આવ્યા જ નહતા. મીટિંગ અંગેની ફીડબેક પ્રદેશ ભાજપ દ્વારા મોવડીમંડળને મોકલવામાં આવશે અને ત્યારબાદ આગળનો રસ્તો નક્કી થશે. સહયોગીઓ વચ્ચે ઘેરાયેલો ભાજપ મનામણા કરવા મથી રહ્યો છે.(૨૧.૬)

(11:39 am IST)