મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

કેન્દ્રીય કર્મચારીઓ આનંદોઃ ન્યુનત્તમ વેતન થશે ૨૧૦૦૦: નિવૃતિ વય ૬૨ કરાશે

લોકસભાની ચૂંટણી પહેલા ૫૦ લાખથી વધુ કર્મચારીઓને રાજી કરી દેવા સરકારે મન બનાવ્યુઃ ન્યુનત્તમ વેતન ૧૮૦૦૦થી વધારી ૨૧૦૦૦ કરાશે તથા નિવૃતિ વય ૬૦ વર્ષથી વધારી ૬૨ કરાશેઃ પીએમ મોદી ૧૫ ઓગષ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરે તેવી શકયતાઃ ગ્રેચ્યુટી ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરવાનો નિર્ણય જે દિવસથી લાગુ થયો તે દિવસથી જ કર્મચારીઓને મળશે

નવી દિલ્હી, તા. ૮ :. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પોતાની કર્મચારીઓને રાહત પેકેજ આપવાનું એલાન કરી શકે છે. ૫૦ લાખ જેટલા કર્મચારીઓને સંશોધીત વેતનના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવમાં કેન્દ્રીય કર્મચારીઓનું ન્યુનત્તમ વેતન ૧૮૦૦૦ થી વધારીને ૨૧૦૦૦ કરવામાં આવશે. મોદી સરકાર ૧૫ ઓગષ્ટના રોજ સ્વતંત્રતા દિવસને પ્રસંગે આ અંગેની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા બહુપ્રતિક્ષિત ન્યુનત્તમ વેતન વૃદ્ધિની માંગણી થઈ રહી છે. આ માંગણીને સરકાર હવે સ્વીકારવાની તૈયારીમાં છે. જેની જાહેરાત પીએમ મોદી લાલ કિલ્લા ઉપરથી પોતાના પ્રવચનમાં જણાવે તેવી શકયતા છે. વેતનમાં વૃદ્ધિની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિ વયમાં પણ વધારો કરવામાં આવે તેવી શકયતા છે.

જો કે કેન્દ્રીય કર્મચારીઓના યુનિયન ન્યુનત્તમ વેતન ૨૬૦૦૦ કરવાની માગણી કરી રહ્યા છે. આ મામલામાં સરકારે કમિટી બનાવી હતી પરંતુ હજુ કોઈ વાત આગળ વધી નથી. અત્રે નોંધનીય છે કે, ૭મા વેતન પંચનો કેન્દ્રીય કર્મચારીઓને લાભ ૧ લી જાન્યુઆરી ૨૦૧૬થી મળ્યો હતો.  આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે મોદી સરકાર પોતાના કર્મચારીઓને રાજી કરી દયે તેવી શકયતા છે. સરકારનું માનવુ છે કે, કેન્દ્રીય કર્મચારીઓને રાજી કરી દેવાય તો સત્તાનો લાડવો ફરીથી હાથમાં આવી શકે છે. સરકાર વેતન વૃદ્ધિની સાથે સાથે નિવૃતિ વય પણ ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરે તેવી શકયતા છે. સરકારે આ અગાઉ પણ પગાર વધારાનું મન બનાવ્યુ હતુ પરંતુ હવે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતો મેળવવા માટે ભાજપે કેન્દ્રીય કર્મચારીઓને રાજી કરી દેવાનો નિર્ણય લીધો છે.

દરમિયાન કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરી જણાવ્યુ છે કે, ગ્રેચ્યુટીની સીમા ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરવાનો નિર્ણય જે દિવસથી લાગુ થયુ તે દિવસથી કર્મચારીઓને મળશે. કર્મચારીઓની માંગણી હતી કે, ૧-૧-૨૦૧૬થી તે મળવી જોઈએ.(૨-૨)

(11:37 am IST)