સ્કુલ ફી વધારા ઉપર લગામઃ કેન્દ્ર કાયદો ઘડશે
ખાનગી શાળાઓની મનમાની ઉપર નિયંત્રણ મૂકવાનો હેતુઃ રાષ્ટ્રીય લેવલે સ્કુલ ફી રેગ્યુલેશન મીકેનીઝમ લવાશેઃ સરકાર બધા ''સ્ટેકહોલ્ડરો''ના સંપર્કમાં: સર્વસંમતિના પ્રયાસોઃ યુપીમાં પ્રયોગ સફળ રહેતા કેન્દ્ર આગળ વધવા માંગે છેઃ ગુજરાતમાં પણ ફી રેગ્યુલેશન એકટ પસાર થયો છે
નવી દિલ્હી તા.૮: કેન્દ્ર સરકાર ખાનગી શાળાઓ ના અણધાર્યા અને વારંવાર થતા ફી વધારાને રોકવા માટે નિયમ બનાવવાનું વિચારી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે આ વર્ષે ખાનગી શાળાઓ અને લઘુમતી ની શાળાઓમાં ફી નિયંત્રણ કાયદો અમલમાં મુકયો હતો તેની સફળતા બાદ આ વિચાર વેગવંતો થયો છે.
આ વિચારને અમલમાં મુકતા પહેલા સરકાર બધા સંબંધિત સાથે ચર્ચા કરી રહી છે અને એકમત સાધવાનો પ્રયત્ન કરી રહી છે. એમ એક સીનીયર અધિકારીએ કહયું. તેમણે વધુમાં ઉમેર્યુ કે જોકે આ રાજય સરકારો નક્કી કરવાનું હોય કે સ્કૂલોનું રજીસ્ટ્રેશન તેમના દ્વારા થાય છે. કેન્દ્ર સરકાર રાજયો અને અન્ય સંબંધિતો સાથે ચર્ચા કરી રહી છે.
એપ્રિલમાં ઉ.પ્ર. સરકારે આ બાબતનો વટહુકમ બહાર પાડયો હતો. જેના દ્વારા સ્કૂલોને ૮% થી વધારે ફી વધારો કરવાની મનાઇ કરાઇ હતી.
ધારાસભાનું સત્ર ચાલું ન હોવાથી ઉ.પ્ર. સરકારે વટહુકમ બહાર પાડયો હતો, આ વટહુકમ દરેક ખાનગી શાળાઓ, લઘુમતી સંસ્થાઓ, સીબીએસઇ સાથે સંકળાયેલી શાળાઓ, સીઆઇએસસીઇ અને યુપી બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ માટે લાગુ કરાયેલ.
આ વટહુકમ મુજબ શાળાઓને અણધાર્યા ફી વધારા ઉપરાંત કેપ્શન ફી લેતા પણ રોકે છે પણ કેન્દ્ર આમાં દર વર્ષે એડમીશન અને દરવર્ષે યુનિફોર્મમાં બદલાવ જેવા મુદા ઓ આવરી લેવા ઇચ્છે છે.
કેન્દ્ર સરકાર ત્રણવાર નિયમ ભંગ કરનાર શાળાનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની પણ ભલામણ કરશે.
૨૦૧૫-૧૬ના વર્ષને આ માટે બેઝ ગણવામાં આવશે. આ નિયમ ૨૦૦૦૦ થી વધુ વાર્ષિક ફી લેનાર શાળાઓ માટે અમલી બનશે.
ઉ.પ્ર.માં કાયદાને મળેલ સફળતા પછી કેન્દ્ર સરકાર બીજા રાજયોમાં પણ તેના અમલ માટે ઉત્સુક છે. આ પહેલા ૨૦૧૭માં ગુજરાતમાં ફી નિયંત્રણ કાયદો પસાર કરાયો છે.
મહારાષ્ટ્રમાં પણ ૨૦૧૭થી આવો કાયદો અમલમાં છે. કેન્દ્રીય એચ.આર પ્રધાન પ્રકાશ જાવડેકર આ કાયદો રાષ્ટ્રીય રીતે અમલમાં મુકવા ઇચ્છે છે. (૧.૧૩)