મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

કાનપુરઃ મેડીકલ કોલેજમાં આઈસીયુનું એસી ફેઈલઃ પાંચ દર્દીઓના મોત

હોસ્પીટલના સત્તાવાળાઓની ઘોર બેદરકારી સામે આવીઃ દર્દીઓના મોત બાદ તંત્રની દોડધામઃ તપાસના આદેશો અપાયા

કાનપુર, તા. ૮ :. કાળઝાળ ગરમીમાં અહીંની સૌથી મોટી સરકારી હોસ્પીટલ લાલા લજપતરાયમાં એક લાપરવાહીની મોટી ઘટના સામે આવી છે. આ હોસ્પીટલના આઈસીયુનો એ.સી. પ્લાન્ટ ખરાબ થઈ ગયો અને તેના કારણે દાખલ થયેલા પાંચ દર્દીઓના કરૂણ મોત થયા છે. આઈસીયુમાં ચાર બાળકો સહિત ૧૧ દર્દીઓ દાખલ થયેલા હતા. હોસ્પીટલના તંત્રએ તપાસના આદેશો આપ્યા છે.

આ હોસ્પીટલના આઈસીયુ વોર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી એસી ખરાબ થઈ ગયુ હતુ. તે પછી તેને રીપેર કરી ચલાવાતુ હતુ પરંતુ ગઈકાલે તે એસી પ્લાન્ટ બંધ થઈ જતા પાંચ દર્દીઓના મોત થઈ ગયા હતા. ઓવર હીટીંગના કારણે તમામ ઉપકરણોએ કામ કરવાનું બંધ કરી દીધુ. એસી પ્લાન્ટના રીપેરીંગમાં લાપરવાહીને કારણે પહેલેથી સર્જરી અને ન્યુરો સર્જરી ઓપરેશન થિયેટરના એસી ખરાબ થઈ ચૂકયા છે. એસી બંધ થઈ જવાના કારણે ગંભીર દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધી ગયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈસીયુના બન્ને એસી પ્લાન્ટમાં પાંચ દિવસથી ખરાબી હતી. સીસ્ટર ઈન્ચાર્જની લેખીત ફરીયાદને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. બુધવારે રાત્રે એસીએ કામ કરવાનું બંધ કરી દીધુ. ગરમી અને ઉકળાટને કારણે આઈસીયુના બારી બારણા ખોલી નાખવામાં આવ્યા હતા. દર્દીઓને રાહત આપવા માટે સગાઓએ હાથના પંખાનો ઉપયોગ કર્યો હતો. બાદમાં બુધવારે રાત્રે ૧૨ વાગ્યાથી ગુરૂવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫ દર્દીઓના મોત થઈ ગયા હતા.

આ ઘટના બાદ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ અને તપાસના આદેશો આપી દીધા હતા. ઓગષ્ટ ૨૦૧૭માં ગોરખપુરના બીઆરડી હોસ્પીટલમાં એક સપ્તાહમાં ૭૦થી વધુ બાળકોના મોત થયા હતા.

(11:12 am IST)