મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

ખંડણી કેસ : અબુ સાલેમને ૭ વર્ષની જેલની સજા કરાઇ

ત્રીસહજારી કોર્ટ દ્વારા કઠોર સજા ફટકારાઈ : દિલ્હીના વેપારી પાસેથી ૫ કરોડ રૂપિયા માંગવાનો કેસ

નવીદિલ્હી,તા. ૭ : ગેંગસ્ટર અબુ સાલેમને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવાના મામલામાં દિલ્હીની તીસહજારી કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી દીધી છે. અબુ સાલેમને ૨૦૦૨માં દિલ્હીના એક વેપારી પાસેથી આ ખંડણીની માંગ કરી હતી. કોર્ટે ૨૬મી મેના દિવસે અબુ સાલેમને અપરાધી ઠેરવ્યો હતો.  અબુ સાલેમને દિલ્હીના વેપારી અશોક ગુપ્તા પાસેથી વર્ષ ૨૦૦૨માં પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ મામલામાં અબુ સાલેમની સાથે સાથે અન્ય પાંચ સામે પણ સુનાવણી ચાલી રહી હતી જેમાં ચંચલ મહેતા, માજિક ખાન, મોહમ્મદ અશરફ, પવનકુમારને છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી સજ્જનકુમાર સોનીનું સુનાવણી દરમિયાન મોત થયું હતું. અત્રે નોંધનીય છે કે, આ મામલામાં કોર્ટે ૨૭મી માર્ચના દિવસે અંતિમ દલીલો સાંભળી હતી ત્યારબાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૬મી જાન્યુઆરીના દિવસે અબુ સાલેમે દાવો કર્યો હતો કે, તેની સામે કોઇપણ પુરાવા નથી. અબુ સાલેમને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં જામીન મળી ચુક્યા છે. ૮મી નવેમ્બર ૨૦૧૩ના દિવસે ખંડણીના આ કેસમાં પણ તેને જામીન મળ્યા હતા. કોર્ટે ફેબ્રુઆરીમાં અબુ સાલેમની સામે નવેસરથી પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું. અબુ સાલેમના વકીલે દાવો કર્યો છે કે, આ મામલામાં સુનાવણીના કારણે એવા આદેશનો ભંગ થઇ રહ્યો છે જે હેઠળ તેને ૨૦૦૫માં પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો હતો. અબુ સાલેમે હાલમાં પોર્ટુગલ જવાની માંગ કરીને અરજી દાખલ કરી હતી.

 

(12:00 am IST)