મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

કોરોનાની નવી દવાને મંજુરીઃ ઓકસીજનની જરૂર ઓછી પડશે

કોરોનાના સંક્રમણ વચ્ચે આવ્યા ગુડ ન્યુઝઃ ડીઆરડીઓએ બનાવેલી દવાને ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડીયાએ મંજુરી આપી : આ દવાનું નામ ૨-ડીજી એવુ છેઃ ડો. રેડ્ડી લેબોરેટરી આ દવા બનાવશેઃ દવાના કલીનિકલ ટ્રાયલ સફળ રહ્યાઃ દર્દી ઝડપથી સાજા થયા

નવી દિલ્હી, તા. ૮ :. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા એટલે કે ડીસીજીઆઈએ કોરોનાના ઈલાજ માટે એક દવાના ઈમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે. આ દવા ડીઆરડીઓના ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુકલીયર મેડીસીન એન્ડ એલાઈડ સાયન્સ અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીકયુલર બાયોલોજીએ સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને હાલ ટુ-ડીજી નામ આપવામાં આવ્યુ છે અને તેના ઉત્પાદનની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટરીને આપવામાં આવી છે.

 

દવાના કલીનિકલ ટ્રાયલ સફળ થયા છે. દાવો છે કે જે દર્દી પર તેનુ ટ્રાયલ કરવામાં આવ્યુ તેઓમાં ઝડપથી રીકવરી જોવા મળી હતી. સાથોસાથ ઓકસીજન પર નિર્ભરતા પણ ઘટી હતી. એવો પણ દાવો છે કે દવાના ઉપયોગથી દર્દીઓના કોરોના રીપોર્ટ બાકીના દર્દીઓની તુલનામાં ઝડપથી નેગેટીવ આવી રહ્યા છે. એટલે કે તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.

ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ એપ્રિલ ૨૦૨૦માં આ દવાનંુ પરિક્ષણ કર્યુ હતુ. જે દરમિયાન જણાયુ હતુ કે આ દવા કોરોના વાયરસને રોકવા મદદ કરે છે. જેના આધાર પર ડીસીજીઆઈએ મે ૨૦૨૦માં ફેસ ટુ ફેસ ટ્રાયલને મંજુરી આપી હતી.

પ્રથમ ટ્રાયલ ૧૧૦ દર્દીઓ ઉપર મે થી ઓકટોબર વચ્ચે કરવામાં આવી હતી. તેઓ જલદી સાજા થયા હતા અને બીજા કરતા અઢી દિવસ વહેલા બહાર આવ્યા હતા. બીજા ટ્રાયલમાં ડીસે.થી માર્ચ દરમિયાન ૨૭ હોસ્પીટલોમાં ૨૨૦ દર્દીઓ પર ટ્રાયલ થઈ હતી. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જેમને આ દવા આપવામાં આવી તેઓમાથી ૪૨ દર્દીઓની ઓકસીજનની નિર્ભરતા ત્રીજા દિવસે સમાપ્ત થઈ ગઈ. જેમને દવા ન આપવામાં આવી તેવા ૩૧ ટકા દર્દીઓની જ ઓકસીજન પરની નિર્ભરતા સમાપ્ત થઈ ન હતી. એટલે કે દવાથી ઓકસીજનથી જરૂર ઓછી જણાય હતી. એક સારી વાત એ છે કે આ ટ્રેન્ડ ૬૫ વર્ષથી ઉપરના વડીલોમાં પણ જોવા મળ્યો હતો.

(3:07 pm IST)