મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

કોરોનાનો કહેરઃ પ્રતિબંધોના પંજામાં દેશનો ૮૬ ટકા વિસ્તાર

કોરોનાને હરાવવા એક પછી એક રાજ્યો લોકડાઉન થઇ રહ્યા છેઃ તામિલનાડુ-ગોવા-કર્ણાટકમાં લોકડાઉન લદાયુઃ દેશના ૧૩થી વધુ રાજ્યોમાં કોરોના કર્ફયુ અથવા લોકડાઉન

નવી દિલ્હી તા. ૮ : દેશમાં કોરનાની સ્થિતિ અત્યંત ભયાનક અને ખતરનાક થઇ રહી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશના અનેક ભાગોમાં કાં તો લોકડાઉન લાદેલુ છે અથવા તો કોરોના કર્ફયુ લાગેલો છે. દેશના ૮૬ ટકા વિસ્તારમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો અમલી બનાવાયા છે. દેશના ૧૩થી વધુ રાજ્યોમાં કોરોનાએ કહેર વરસાવતા ત્યાં આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રોજેરોજ એક પછી એક રાજ્ય કોરોના સામે ધોકો પછાડવા નિયંત્રણો લાદી રહ્યા છે.

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઓકસીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે. એવામાં હવે મોટા ભાગના રાજયો લોકડાઉન તરફ વળ્યા છે.

દક્ષિણના રાજય તમિલનાડુમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ હાલમાં ડીએમકેએ સરકાર બનાવી છે ત્યારે સરકાર બનતાની સાથે જ રાજયમાં બે સપ્તાહ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉન ૧૦મી મેથી ચાલુ થશે અને બે સપ્તાહ સુધી લાગુ રહેશે. નોંધનીય છે કે દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકમાં પહેલેથી જ લોકડાઉન કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સંપૂર્ણ લોકડાઉન અંગેનું એલાન કરતા જણાવ્યું હતું કે, રાજયમાં આગામી ૧૦ મેથી ૨૪ મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન અનિવાર્ય સેવાઓને જ છૂટછાટ આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાનની ગેહલોત સરકારે ૧૦-૨૪ મે સુધી પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસની બીજી લહેરમાં જયારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું ત્યારે તેમણે લોકડાઉનને અંતિમ વિકલ્પ રાખવા માટે રાજયોને સલાહ આપી હતી અને લોકડાઉન બની શકે તો ન કરવા માટે જણાવ્યું હતું. જોકે રાજયોમાં પરિસ્થિતિ હાલમાં એ હદે બગડી છે કે ભાજપના રાજયો પણ લોકડાઉન તરફ વળ્યા છે. દેશના કોંગ્રેસ શાસિત રાજયોમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે.

જોકે ગુજરાતમાં અત્યાર સુધી લોકડાઉન કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો નથી. રાજયના મોટા ભાગના શહેરોમાં રાત્રિ કફર્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે જયારે અન્ય કડક પ્રતિબંધ પણ કરવામાં આવ્યા છે પણ લોકડાઉન કરવામાં આવ્યું નથી.

રાજસ્થાન   ૧૦થી ૨૪ મે સુધી કડક લોકડાઉન

ઉત્ત્।ર પ્રદેશ   ૧૦ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

દિલ્હી      ૧૯ એપ્રિલથી લોકડાઉન લાગુ, ૧૦ મે સુધી લંબાવવામાં આવ્યું

મહારાષ્ટ્ર   લોકોની અવર-જવર પર પ્રતિબંધ સહિતના કડક પ્રતિબંધો લાગ્યા છે જે ૧૫ મે સુધી લંબાવવામાં આવ્યા

છત્ત્।ીસગઢ   ૧૫ મે સુધી લોકડાઉન

બિહાર      પાંચ મે થી ૧૫ મે સુધી સંપૂર્ણ લોકડાઉન

ઓડિશા    ૧૯ મે સુધી કડક લોકડાઉન લાગુ

પંજાબ      ૧૫ મે સુધી મિનિ લોકડાઉન જેવી સ્થિતિ

કર્ણાટક     ૧૦થી ૨૪ મે સુધી સંપૂર્ણ લોકડાઉન

પૂડુચેરી    ૧૦ મે સુધી લોકડાઉન

મધ્ય પ્રદેશ કોરોના કફર્યૂ લાગુ જેમાં માત્ર આવશ્યક સેવાઓને જ છૂટ

તમિલનાડુ  ૧૦ મેથી બે સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન

નાગાલેન્ડ      ૧૪ મે સુધી કડક પ્રતિબંધો સાથે લોકડાઉન

(3:06 pm IST)