મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

ભુંડમાં ફેલાયેલી બિમારી કાબુ બહાર

મિઝોરમમાં નવી આફત : આફ્રિકન સ્વાઇન ફિવરથી ૧૭૦૦ થી વધુ ભુંડતા મોત : કરોડોનું નુકસાન

નવી દિલ્હી,તા.૮: મિઝોરમમાં સ્વાઈન ફિવરના કારણે ૧૭૨૮ ભૂંડનાં મોત થઈ ચૂકયા છે. સૌપ્રથમ ૨૧મી માર્ચે બાંગ્લાદેશની સરહદ પાસે આવેલા લુંગસેન ગામમાં પહેલો કેસ નોંધાયો હતો. એ પછી સતત એક પછી એક ભૂંડ સંક્રમિત થઈ રહ્યા છે. તેના કારણે રાજયને ૭ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂકયું છે.

મિઝોરમમાં એક મહિનામાં ૧૭૨૮ ભૂંડના મોત સ્વાઈન ફિવરથી થયા છે. આફ્રિકન સ્વાઈન ફિવર નામના આ વાયરસ પર હજુ સુધી કાબૂ મેળવવામાં તંત્રને સફળતા મળી નથી. પશુપાલન વિભાગના નિર્દેશકના કહેવા પ્રમાણે આ બિમારી ધીમે ધીમે અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી રહી છે. ભૂંડના મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે એ ચિંતાજનક છે.

અગાઉ રાજય સરકારે લુંગલેઈ જિલ્લાનું લુંગસેન ગામ અને ઈલેકિટ્રક વેંગ, આઈઝવલ જિલ્લાનું આર્મ્ડ વેંગ અને એડનદ્યર, સેરચિપ જિલ્લાનું કેતુમ ગામ અને દક્ષિણ મિઝોરમનું સિઆહ શહેરને બીમારીનું મુખ્ય કેન્દ્ર જાહેર કર્યું હતું, પરંતુ હવે બીજા વિસ્તારો પણ તેની ચપેટમાં આવ્યા છે.

મિઝોરમના ઉચ્ચ સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે પહેલો કેસ ૨૧મી માર્ચે બાંગ્લાદેશ સરહદની નજીક નોંધાયો હતો. તેના કારણે બાંગ્લાદેશમાંથી કે મ્યાંમારમાંથી આ સંક્રમણ ભૂંડોમાં લાગ્યું હોવાની શકયતા છે.

મિઝોરમ સરકારના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં રાજયને આ બિમારીના કારણે સાત કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂકયું છે. હજુ પણ નુકસાની વધે તેવી પૂરી શકયતા છે. રોગચાળો કાબૂમાં લાવવા માટે રાજય સરકારે વિવિધ પ્રયાસો શરૂ કર્યા છે.

(10:02 am IST)