મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

ચૈન્નાઈ એરપોર્ટ પરથી ૧૦૦ કરોડના હેરોઈનના જથ્થા સાથે તાન્ઝાનિયાના બે નાગરિકો પકડાયા

ભારતમાં સારવારના બહાને આવતા હતા અને ડ્રગ્સની હેરાફેરી કરતા

ચૈન્નાઈના એરપોર્ટમાંથી બે વિદેશી નાગરિકોને ૧૦૦ કરોડના હેરોઈનના જથ્થા સાથે પકડી લીધા હતા. તાન્ઝાનિયાના નાગરિકો ભારતમાં સારવારના બહાને આવતા હતા અને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આ રેકેટનો ચૈન્નાઈના કસ્ટમ વિભાગના અધિકારીઓએ પર્દાફાશ કર્યો હતો.
 જ્હોનિસબર્ગથી દોહા અને દોહાથી ચૈન્નાઈ પહોંચેલા બે તાન્ઝાનિયાના નાગરિકો પાસેથી ૧૫.૬ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળ્યો હતો. ડેબોરા એલિયા અને ફેલિક્સ ઓબાડિયા નામના બે નાગરિકો ચૈન્નાઈ પહોંચ્યા ત્યારે કસ્ટમ વિભાગે બંનેની તપાસ શરૃ કરી હતી. બંને પાસે બબ્બે ટ્રોલી બેગ હતી. ચારેયમાં નીચેની તરફ પાવડરને પ્લાસ્ટિકમાં ભરીને સીવી લેવામાં આવ્યો હતો. અધિકારીઓને શંકા થતાં વધુ ચકાસણી થઈ હતી અને એમાંથી ૧૫.૬ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગના કહેવા પ્રમાણે આ હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૦૦ કરોડ રૃપિયા જેવી થાય છે.
બંને વિદેશી નાગરિકો અગાઉ પણ ભારત આવી ચૂક્યા છે. ડેબોરા એલિયાનો બેગ્લુરુમાં ઈલાજ ચાલે છે એવું તેણે કહ્યું હતું. તેની સાથે ફેલિક્સ ઓબાડિયા પણ આવે છે. ઈલાજના નામે બંને મોટી સંખ્યામાં ડ્રગ્સ ઘૂસાડતા હતા.
કસ્ટમ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે આફ્રિકન દેશોમાંથી ભારતમાં ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવામાં આવે છે. એ પછી આખા વિભાગને હાઈએલર્ટ કરાયો હતો. આ રેકેટમાં ભારતમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:00 am IST)