મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

સોનુ સુદની ટીમે ઓક્સિજન પહોંચાડી ૨૨નાં જીવ બચાવ્યા

કોરોના કાળમાં સેવાભાવી સંસ્થાઓની બોલબાલા : બેંગલુરુની ARAK હોસ્પિટલમાં ઓક્સિજન વિના બેનાં મોત થયા હતા અને મેસેજ મળતાં સોનુની ટીમ મદદ કરી

બેંગલુરુ, તા. ૭ : જે કામ સરકાર નથી કરી શકતી તે કામ કેટલાક સેવભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ કરી રહ્યા છે.બોલીવૂડ સ્ટાર સોનુ સૂદ તેમાંથી એક છે.

સોનુ સુદની ટીમે બેંગલુરુમાં સમયસર ઓક્સિજન પહોંચાડીને ૨૨ કોરોના દર્દીઓના જીવ બચાવ્યા છે.મળતી વિગતો પ્રમાણે અડધી રાતે બેંગલુરુના એઆરએકે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જાય તેવી સ્થિતિ હતી.સોનુ સુદના ચેરિટી ફાઉન્ડેશનની ટીમને આ જાણકારી પોલીસ થકી મળી હતી.હોસ્પિટલમાં ઓક્સિજન વગર બે દર્દીઓના પહેલા જ મોત થઈ ચુકયા હતા.

આ વાતની જાણકારી મળ્યા બાદ ટીમના સભ્યોએ અડધી રાતે જ દોડધામ કરીને ઓક્સિજન સિલિન્ડરની શોધ ચાલુ કરી હતી.કલાકોની મહેનત બાદ ૧૫ ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલને પહોંચાડવામાં આવ્યા હતા.

સોનુ સુદ કહે છે કે, ટીમ વર્ક અને દેશવાસીઓની મદદ કરવાના મક્કમ નિર્ધારના કારણે લોકોની મદદ થઈ શકે છે.જેવો અમને પોલીસનો ફોન આવ્યો કે તરત જ હોસ્પિટલને સિલિન્ડર પહોંચાડવા માટે મદદ શરુ કરી હતી.મોડુ થયુ હોય તો કેટલાય લોકો પોતાના સ્વજનોને ગુમાવી દેત.

સોનુ સુદનુ કહેવુ છે કે, હું એ તમામનો આભારી છું જેમણે આટલી જિંદગીઓ બચાવવા માટે ગઈકાલે રાતે મહેનત કરી હતી.મારી ટીમના સભ્યોની લગન જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે.

(12:00 am IST)