મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

કંગના રનોત એ બંગાળમાં તોફાનો ભડકાવ્યાની ફરિયાદ કરાઈ

બંગાળમાં હિંસા પર કંગના રનોતએ નિવેદનો આપ્યા હતા : TMCના નેતાએ કંગના રનોતએ બંગાળ હિંસા પર કરેલા એક પછી એક ટ્વિટના સ્ક્રીન શોટ પણ પોલીસ સાથે શેર કર્યા

કોલકતા, તા. ૭ : ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના મામલે એક પછી એક નિવેદનો આપનાર એક્ટ્રેસ કંગના  હવે મમતા બેનરજીની સરકાર બન્યા બાદ ટીએમસીના નિશાન પર આવી છે.

કંગના સામે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા ઋજુ દત્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કંગના પર રાજ્યમાં તોફાનો ભડકાવવાનો આરોપ મુકાયો છે. ટીએમસીના નેતાએ કહ્યુ છે કે, કંગનાએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ નેતાએ પોલિસ ફરિયાદની સાથે સાથે કંગનાએ બંગાળ હિંસા પર કરેલા એક પછી એક ટ્વિટના સ્ક્રીન શોટ પણ પોલીસ સાથે શેર કર્યા છે. આમ પોલીસ ફરિયાદ બાદ કંગનાની મુશ્કેલીઓ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કંગનાનુ ટ્વિટર એકાઉન્ટ પણ ટ્વિટર દ્વારા કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયુ છે. બંગાળમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવીને થઈ રહેલી હિંસા બાબતે કંગનાએ કહ્યુ હતુ કે, ભાજપે આસામ અને પોંડીચેરીમાં જીત મેળવી છે. પણ ત્યાંથી હિંસાની કોઈ ખબર નથી આવી. ટીએમસીના ચૂંટણી જીતવાની સાથે જ લોકો મરવા માંડયા છે. પણ તોય એવુ કહેવાશે કે મોદીજી તાનાશાહ છે અને મમતા સેક્યુલર નેતા છે.

કંગનાએ પોતાના એક ટ્વિટમાં મમતા બેનરજીની સરખામણી તાડકા સાથે પણ કરી હતી.

(12:00 am IST)