મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

મોડી રાત્રે અકિલા સાથે વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં લોકડાઉન નહીં થાય : કરફ્યુની કોઈ વિચારણા નથી : સ્થિતિ ગંભીર છે અને સરકાર સંપૂર્ણ સજ્જ છે : કાલે બપોરે ૩.૩૦ વાગે અમદાવાદમાં ડોકટરો દ્વારા પત્રકાર પરિષદ

વિજયભાઈનું રાજ્યના નાગરિકોને આશ્વાસન "લોકો ભય રાખે નહીં, સરકાર તમામ પગલાઓ લેવા અને મદદ કરવા માટે પ્રત્યેક પળે તૈયાર છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે મોડી રાત્રે અકિલાને જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે સવારે રાજકોટ આવી મોરબી જશે અને ત્યારબાદ રાજકોટ આવશે અને કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિચાર-વિમર્શ કરશે.

તેમની સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના ખાસ સચિવ શ્રી કૈલાસનાથન અને આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ પણ આવી રહ્યા છે. વિજયભાઈએ  સ્પષ્ટ કહ્યુ હતું કે અમદાવાદમાં આઠ હજાર નવા બેડ અને રાજકોટમાં અઢી હજાર નવા બેડની વ્યવસ્થા યુદ્ધના ધોરણે થઇ રહી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે જેમનું ઓક્સિજન લેવલ ૯૬થી નીચે હોય તેમણે જ હોસ્પિટલનો સહારો લેવો જોઈએ, અન્યથા ઘરે રહીને ડોક્ટરની સલાહ મુજબ આઈસોલેટ રહીને સારવાર કરવી જોઈએ. વિજયભાઈ એ કહ્યું હતું કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે પરંતુ આપણે તેમની સામે બરાબર લડત આપી કાબૂમાં લઈ લેશું. લોકડાઉન કે કર્ફ્યુનો કોઈ જ વિચાર નથી તેવું તેમણે સ્પષ્ટ અકિલા ને કહ્યું હતું.

વિજયભાઈએ નિર્દેશ આપ્યો હતો કે કોરોના અંગે ગુજરાતના ટોચના ચાર નિષ્ણાત ડોક્ટરોની પેનલ  આવતીકાલે શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે અમદાવાદ ખાતે પત્રકારો સમક્ષ વિગતો આપશે. લોકો ભય રાખે નહીં, સરકાર તમામ પગલાઓ લેવા અને મદદ કરવા માટે પ્રત્યેક પળે તૈયાર છે.

(10:53 pm IST)