મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

સેન્સેક્સમાં ભારે અફરા-તફરી બાદ ૮૪ પોઈન્ટનો ઊછાળો

દેશમાં કોરોનાનું સંક્રમણ વધતાં બજારમાં અસ્થિરતા : કોરોનાના નિયંત્રણ માટે દેશના ઘણા ભાગોમાં લદાયેલા પ્રતિબંધોથી મૂડીરોકાણકારોનો સાવચેતીભર્યો અભિગમ

મુંબઈ, તા. ૮ : અસ્થિર કારોબારની વચ્ચે બીએસઈ સેન્સેક્સ ગુરુવારે ૮૪ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. દેશમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસો અને તેના નિયંત્રણ માટે દેશના ઘણા ભાગોમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે. બીએસઈના ૩૦ શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૪.૪૫ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા વધીને ૪૯,૭૪૬.૨૧ ના સ્તર પર બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૫૪.૭૫ પોઈન્ટ એટલે કે ૦.૩૭ ટકા વધીને ૧૪,૮૭૩.૮૦ પર બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ લાભમાં રહ્યો. તેમાં ૪ ટકાથી વધુનો ફાયદો થયો છે. આ સિવાય ટાઇટન, ટેક મહિન્દ્રા, નેસ્લે ઇન્ડિયા, ટીસીએસ, બજાજ ફિનસવર અને એલએન્ડટીમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. બીજી બાજુ, જે શેરોમાં ઘટાડો થયો છે તેમાં ઈન્ડસઇન્ડ બેક્ન, ઓએનજીસી, સન ફાર્મા, એચડીએફસી બેક્ન અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી અફેર્સના વડા વિનોદ મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક શેર બજારો મોટાભાગે ઊંચા મથાળે કારોબાર કરતા હતા, પરંતુ પાછળથી તે તીવ્ર ઘટાડો થયો. કોવિડ -૧૯ ના વધતા જતા કેસો રોકાણકારોની ધારણાને અસર કરી રહ્યા છે. પ્રોફિટ બુકિંગના કારણે નાણાકીય કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ચોથા ક્વાર્ટરમાં કંપનીઓની આવક સારી રહેવાની અને ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ આઇટી કંપનીઓના શેરોમાં રોકાણકારોને આકર્ષિત કરી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં બજારને થોડો ટેકો મળ્યો છે. પરંતુ રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો રોકાણકારો માટે ચિંતાનું કારણ હોઈ શકે છે. એફપીઆઈ પ્રવાહ પર પણ તેની અસર થઈ શકે છે. અન્ય એશિયન બજારોમાં શાંઘાઇ, હોંગકોંગ અને સિઓલ ઊંચા મથાળે બંધ જોવા મળ્યા, જ્યારે ટોક્યો ઘટ્યો હતો. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો નફાકારક હતા. દરમિયાન, વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૪૪ ટકા ઘટીને ૬૨.૮૮ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(9:13 pm IST)