મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

કોરોના કાળમાં તનનું ધ્યાન રાખજો-વેકસીન લેજોઃ પૂ.મોરારીબાપુ

હરદ્વારમાં આયોજીત 'માનસ હરીદ્વાર' શ્રી રામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા., ૮: 'કોરોના મહામારીમાં શરીર-તનનુ ધ્યાન રાખજો અને વેકસીન લેજો' તેમ પૂ. મોરારીબાપુએ હરીદ્વારમાં  આયોજીત 'માનસ હરીદ્વાર' શ્રીરામ કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહયું કે મે વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે અને બીજો ડોઝ તા.૧ર એપ્રિલે હું લઇશ.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે પાંચમાં દિવસે શ્રીરામ કથામાં કહયું હતું કે ભગવાન રામ, કૃષ્ણ અવતારમાં વૈકુંઠ લઇ ધરતી પર આવ્યા છે જેનું નામ છે ગોકુલવન. જયાં પરમાત્માનું આનંદ સ્વરૂપ નંદ બનીને નખશીખ દયાની મુર્તી દેવકી બનીને, નારદજી કૃષ્ણસખા-સુદામા બનીને, કળીયુગ સ્વયં કંસ  બનીને, વેદપુરૂષ વસુદેવ બનીને અને મહાદેવ રામ અવતારમાં રામને આલીંગન ન કરી શકયા એ વાંસળી બનીને આવ્યા. વેદોનો તત્વાર્થ -ભાવાર્થ -સાર બલરામ અને કૃષ્ણ બનીને આવ્યા છે. એજ રીતે ઉધ્ધવ આદિ વધારાનું કળીયુગ કોને કહીશું? કળીયુગ કળીયુગમાં જ નહી દરેકમાં કોઇને કોઇ રૂપમાં આવે છે. એક પ્રમાણ છે. ભજનાનંદી સાધુ ભજન કરે અને આપણે સમજીએ કે દંભ કરે છે. અભિનય કરે છે તો સમજવુ કે આપણામાં કળીયુગે પ્રવેશ કર્યો છે. એક દ્વારા છે મુખદ્વાર તુલશીજીએ લખ્યું છે રામનામ મની દીપ ધરૂ, જીહ્ર દેહરી દ્વાર, તુલસી ભીતર બાહીરીહી જો ચાહીય ઉજીયાર, મુખદ્વાર પરની દેહલી- ઉંબરા પર રામનામ રૂપી મણીનો દીવો કરવાથી અંદર અને બહાર બન્ને તરફ પ્રકાશ મેળવી શકાય છે.

કદાચ રાજુલા-રામપરાની કથા ફરીવાર મુલત્વી રાખવી પડે

રાજકોટ, તા., ૮ :  રામપરા - રાજુલાની મુલત્વી રહેલી કથા માનસ મંદિર ર૦ એપ્રિલે સવારે સાડા નવ કલાકે આરંભાશે. આ કથા સંદર્ભેમાં પૂજય મોરારીબાપુએ માનસ હરિદ્વાર કથાના પાંચમા દિવસે, વૈશ્વિક વ્યાસપીઠનાં તમામ ફલાવર્સને, કથા શ્રવણ માટે આવવા ઇચ્છનારા વ્યકિતને કે અન્ય કોઇ પણ જીજ્ઞાસુએ રામપરા કથા શ્રવણ માટે આવવાનું નથી. વિદેશના કે દેશના તો નહીં, ગુજરાત કે સૌરાષ્ટ્રના પણ કોઇ શ્રોતાએ રામપરા આવવું નહીં. મહુવા કે તલગાજરડાના કોઇ શ્રોતાએ પણ રામપરા આવવાનું નથી. માત્ર આ પંથકમાં રહેનારા મર્યાદિત સંખ્યામાં આમંત્રીતોએ જ આવવું.

કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે. ત્યારે કદાચ રામપરાની કથા ફરી વાર મુલત્વી રાખવી પડે એવું પણ બની શકે. અથવા માત્ર પાંચ પંદર શ્રોતાઓ સમક્ષ કથાગાન કરીને કથાને પૂર્ણ કરવામાં આવશે. સહુએ ઘેર બેઠા ટીવીનાં માધ્યમથી જ કથાનું શ્રવણ કરવું એવો સ્પષ્ટ અનુરોધ પૂજય બાપુએ સહુને કર્યો છે.

(4:17 pm IST)