મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

માસ્ક વગર ચૂંટણી પ્રચારઃ દિલ્હી હાઇકોર્ટની કેન્દ્ર - પંચને નોટિસ ચૂંટણી રેલીમાં ભીડ ભેગી કરવા પર સવાલ કરવામાં આવ્યો

માસ્ક પહેરવાની અનિવાર્યતાના મામલે થઇ'તી અરજી

નવી દિલ્હી, તા.૮: પશ્ચિમ બંગાળ સહિત અનેક પ્રદેશોમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત  કરવાના મામલા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી આયોગને નોટિસ ફટકારી છે. કેન્દ્ર અને ચૂંટણી આયોગને પ્રચાર દરમિયાન માસ્ક ફરજિયાત કરવાની માંગવાળી અરજી પર જવાબ માંગ્યો છે.

દિલ્હી જ નહીં સમગ્ર દેશમાં કોરોનાના વધતા કેસને લઈને દિલ્હી હાઈકોર્ટે કડર વલણ અપનાવ્યું છે. કાલે હાઈકોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે ગાડીની અંદર એકલા બેઠેલા વ્યકિતએ પણ માસ્ક ફરજિયાત પહેરવાનું છે. હાઈ કોર્ટના આ આદેશ બાદ ચૂંટણી રેલીમાં નિયમોને નજર અંદાજ કરી ભીડ ભેગી કરવા પર સવાલ કરવામાં આવ્યો હતો.

આને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી રેલીમાં માસ્ક ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનવણી કરતા હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી આયોગને નોટિસ ફટકારીને પુછવામાં આવ્યું કે રેલીમાં માસ્કનો ઉપયોગ થશે કે નહીં આ રેલીઓથી સંક્રમણ વધવાનો ખતરો કેટલો છે.હવે ચૂંટણી આયોગ અને કેન્દ્ર સરકાર બન્નેએ પોતાનો જવાબ દાખલ કરવાનો છે. ચૂંટણી રેલી જે રીતે થઈ રહી છે અને ભીડ કોરોનાના નિયમોને નજરઅંદાજ કરી રહી છે તેને જોતા માસ્ક કેમ ફરજિયાત નથી કરવામાં આવ્યુ.

ઉલ્લેખનીય છે કે ગત ૨૪ કલાકમાં દેશમાં ૧ લાખ ૨૬ હજાર નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના વધતા કેસને જોતા પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. તો કયાંક નાઈટ કર્ફ્યુ છે, તો કયાંક સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે. આની સાથે તમામ રાજયોમાં માસ્ક ફરજિયાત છે. 

તેમજ છતાં પશ્ચિમ બંગાળ સહિત દેશના અલગ અલગ ભાગોમાં ચૂંટણી રેલીઓમાં લાખોની ભીડ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગની સરેઆમ લીરા ઉડાડ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી રેલીઓમાં કોરોનાની નિયમને નેવે મુકવામાં આવ્યા છે.

(4:13 pm IST)