મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

કોરોનાનું પરિણામ દેવાની જાળમાં ફસાયો દેશ

ભારતનો જીડીપી રેશિયો ૯૦ ટકા સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા.૮: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જો ૧૦૦ રૂપિયાનું હતું, તો દેવાનો બોજ વધીને ૯૦ રૂપિયા થઇ ગયો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં ભારતની કુલ જીડીપી અંદાજિત ૧૮૯ લાખ કરોડ રૂપિયા અને દેવું ૧૭૯ લાખ કરોડ રૂપિયા હતું. જોકે IMFએ પણ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થામાં હવે જે સુધારો થઇ રહ્યો છે, તેના કારણે આનો રેશિયો ઘટીને ૮૦ ટકા સુધી આવી શકે છે.

જોકે એક રાહત આપતા એવા સમાચાર પણ છે કે IMFને અંદાજ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૨૧માં ૧૨% ની વૃદ્ઘિ કરશે, જે એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે જે કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન ગયા વર્ષે સકારાત્મક વિકાસ દર ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, કોઇ દેશના કુલ દેવામાં કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા લેવામાં આવેલા દેવાનો યોગ હોય છે. તેને જયારે દેશમાં એક વર્ષની અંદર થયેલા કુલ ઉત્પાદન એટલે GDPથી વિભાજિત કરે છે તો દેવું-જીડીપી રેશિયો મળે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, IMFના નાણાકીય મામલે વિભાગના ડેપ્યુટી ડાયરેકટર પાઓલો મોરોએ કહ્યું કે, કોરોના મહામારી પહેલા વર્ષ ૨૦૧૯માં ભારતના દેવાનો રેશિયો GDPનો ૭૪ ટકા હતો, પરંતુ વર્ષ ૨૦૨૦માં આ GDP અંદાજિત ૯૦ ટકા સુધી આવી ગયો છે. આ વધારો દ્યણો વધારે છે, પરંતુ બીજા ઉભરતા બજારો અથવા અઘતન અર્થવ્યવસ્થાઓનો પણ આ જ હાલ છે.

તેમણે કહ્યું કે, અમારો અંદાજ છે કે જેમ જેમ અર્થવ્યવસ્થા સુધરશે, દેવાના રેશિયામાં સુધારો થશે. અર્થવ્યવસ્થામાં સારો સુધારો થયો તો મધ્યમ અવધિમાં આ રેશિયો અંદાજિત ૮૦ ટકા સુધી આવી શકે છે.

(4:13 pm IST)