મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

દાઢી કરવા માટે રેઝર ન મળતા કાકાએ અનોખો જુગાડ કર્યો

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ : વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, એક કાકા નાની લાકડી-દોરાથી બનાવેલ રેઝરથી કરી રહ્યા છે

નવી દિલ્હી, તા.૮: ભારતમાં કોઈપણ સમસ્યાનું સામાન્ય અને તાત્કાલિક સમાધાન જુગાડ છે.

લોકો પોતાના રોજિંદા કામો અને પોતાના શોખમાં જુગાડથી જ કામ ચલાવે છે. જેના કારણે કોઈ પણ કામ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થઇ જાય. તાજેતરમાં જ એક આવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દાઢી કરવા માટે રેઝર ન મળતાં કાકા જુગાડ લગાવી કામચલાઉ રેઝરથી દાઢી કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કાકા કામચલાઉ રેઝર બનાવીને તેનાથી દાઢી કરી રહ્યા છે. કાકાએ આ રેઝર એક નાની લાકડી અને દોરમાંથી બનાવ્યું છે. જેમાં બે નાની સળીઓ ફ શેપમાં એકબીજા સાથે જોડાયેલી છે. જેનાથી તેનો ઉપયોગ કરવો સરળ થઇ જાય. તો બ્લેડ મૂકવાની જગ્યાએ દોરાને એક બાદ એક એમ ઘણા લેયરમાં સેટ કરવામાં આવ્યો છે, જેનાથી દાઢી કરી શકાય.

જોકે, આ વીડિયોમાં જોવા મળતા કાકા ક્યાં રહે છે અને કોણ છે તે અંગે પુષ્ટિ નથી થઇ શકી. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં જોવા મળેલી ટેક્નિક નવી છે, પરંતુ જુગાડથી કામ કરવું ભારતીયો માટે સામાન્ય બાબત છે. આ પહેલા અન્ય એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ એક નવી ટેક્નિકથી પોતાના વાળ કાપી રહ્યા હતા. જોકે, નવાઈની વાતતો એ છે કે વાળ કાપવા માટે તેમણે તેઓ કોઈ ટ્રીમર કે કાતરની મદદ નહોતી લીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમણે વાળ કાપવા માટે એક કાસકો, બ્લેડ અને કલીપની મદદથી પોતાના વાળ સરળતાથી કાપ્યા હતા. સાથે જ તેમણે એક જૂના ન્યૂઝ પેપરની મદદથી એપ્રોન પણ બનાવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ એક ક્લિપની મદદથી બ્લેડને કાસકા સાથે અટેચ કરી દે છે. જે બાદ તેઓ કાસકાને પોતાના વાળ પર ફેરવે છે, તેમ વાળ કપાય છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો લૉકડાઉન દરમિયાન વાયરલ થયો હતો. તે સમયે દેશમાં સલૂન બંધ હતા. જેના કારણે ઘણા લોકો ઘરે વાળ કાપવા લાગ્યા હતા. આ દરમિયાન લોકો એક બીજાને વાળ કાપી આપતા હતા.

(3:44 pm IST)