મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

મ.પ્રદેશમાં ૬૦ કલાકનું લોકડાઉન જાહેર

શહેર વિસ્તારોમાં શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી સોમવાર સવાર ૬ સુધીનું રહેશે લોકડાઉન

ભોપાલ, તા.૮: દેશભરમાં કોરોનાના વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે, આવામાં એક તરફ લોકડાઉન આવશે કે નહીં તેવી ચર્ચાઓ ચિંતા વધારી રહ્યા છે તો બીજી તરફ કેસને કાબૂમાં લેવા માટે કરવામાં આવતા પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આવામાં હવે કોરોનાના વધતા કેસ પર કાબૂ લેવા માટે ગુજરાતના પાડોશી રાજયએ લોકડાઉનનો નિર્ણય લીધો છે.

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ સરકારે કોરોનાના કેસને અટકાવવા માટે રાજયના તમામ મોટા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે પછી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં બે દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના તમામ શહેરોમાં બે દિવસ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં ૬૦ કલાકનું લોકડાઉન રહેશે. શુક્રવારે સાંજે ૬ થી શરૂ થશે અને સોમવારે સવારે ૬ વાગ્યે પુરૂ થશે.

શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે હવે મધ્યપ્રદેશમાં શનિવાર અને રવિવારે લોકડાઉન રહેશે. આ લોકડાઉન શહેરી વિસ્તારોમાં રહેશે. લોકડાઉન દરમિયાન વેકસીનેશનની કામગીરી ચાલુ રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહએ આ મુદ્દે રાજયના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે પછી સરકારે નિર્ણય લીધો છે.

આ પહેલા બુધવારે શિવરાજસિંહે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોનાના વધતા કેસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ઓફિસો પણ અઠવાડિયામાં ૫ દિવસ જ ખુલ્લી રહેશે. આ સાથે તેમનો સમય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ સાથે છીંદવાડામાં પણ ૭ દિવસનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. શિવરાજસિંહે કહ્યું છે કે અમે સંપૂર્ણ લોકડાઉન તરફ નહીં જઈએ. સંક્રમણને રોકવા માટે જે પગલા જરુરી છે, તેને ભરી રહ્યા છીએ. મુખ્યમંત્રી સતત લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.

(3:25 pm IST)