મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી રેલીઓમાં લોકો માસ્ક વિના કેમ જોવા મળ્યા ? : દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : પશ્ચિમ બંગાળ સહીત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી રેલીઓમાં લોકો માસ્ક વિના કેમ જોવા મળ્યા ? તેવો સવાલ દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચને પૂછી ખુલાસો માંગ્યો છે.ચૂંટણી પ્રચાર દરમિયાન પણ માસ્ક લગાવવાનીઅનિવાર્યતા બાબતે હાઈકોર્ટે જવાબો માંગ્યા છે.

નામદાર કોર્ટે પિટિશન અંતર્ગત કરેલી માંગણી મુજબ ચૂંટણી પંચે તેની વેબસાઇટ, મોબાઇલ એપ્સ, અન્ય પ્લેટફોર્મ અને સામગ્રી દ્વારા કોરોના પ્રોટોકોલ વિશેની  માહિતી પૂરી પાડવી જોઈએ.તેમજ આ ઉપરાંત ચૂંટણી પંચને ડિજિટલ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ચૂંટણીમાં કોવિડ -19 પ્રોટોકોલ અંગે જાગૃતિ ફેલાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

કોર્ટ સમક્ષ આ માટે થિંક ટેન્ક સેન્ટર ફોર એકાઉન્ટિબિલીટી એન્ડ  સિસ્ટમેટિક ચેન્જના અધ્યક્ષ વિક્રમસિંહ વતી અરજી કરવામાં આવી છે. જેઓ આ અગાઉ યુપી પોલીસના ડીજીપી રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં પણ ચૂંટણી ચાલી રહી છે. જે પૈકી 4 રાજ્યોમાં મતદાન થઇ ચૂક્યું છે.  જ્યારે પશ્ચિમ બંગાળમાં 10 એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)