મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

' કોવીશીલ્ડ' રસીના સપ્લાઇમાં વિલંબને કારણે સીરમ ઇન્સ્ટિટ્યૂટને એસ્ટ્રાજેનેકાએ કાનૂની નોટિસ ફટકારી

રસીના ઉત્પાદનને બેગણું કરવા માટે ભારત સરકાર પાસેથી ગ્રાન્ટ તરીકે મદદ માંગી

નવી દિલ્હી : દેશને કોરોના રસી આપનારી મહારાષ્ટ્રના પુણે સ્થિત વૅક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) હવે કાયદાની ચુંગાલમાં ફસાઈ રહી છે. હકીકતમાં SIIને બ્રિટિશ અને સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસ કોરોના વૅક્સિનના સપ્લાયમાં થઈ રહેલા વિલંબને પગલે મોકલવામાં આવી છે. 

બીજી તરફ SIIએ કોરોના વૅક્સિન કોવિશીલ્ડની રસીના ઉત્પાદનને બેગણું કરવા માટે ભારત સરકાર પાસેથી ગ્રાન્ટ તરીકે મદદ માંગી છે. ઑક્સફોર્ટ-એસ્ટ્રાજેનેકા દ્વારા ડેવલોપ કરવામાં આવેલ કોરોના વૅક્સિનને SII ભારતમાં કોવિશીલ્ડ બ્રાન્ડના નામે બનાવીને વેચી રહી છે.

SIIના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, કોરોના વૅક્સિનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે લગભગ 3 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. ભારતમાં વધતી જતી માંગને પગલે કોવિશીલ્ડની ઉપ્તાદન ક્ષમતા વધારવાનું દબાણ છે.

અમે ભારતીય માર્કેટમાં લગભગ 150-160 રૂપિયામાં વૅક્સિન સપ્લાય કરી રહ્યાં છીએ. જ્યારે વૅક્સિનની સરેરાશ કિંમત લગભગ 20 ડૉલર (અંદાજિત 1500 રૂપિયા) છે. મોદી સરકારના આગ્રહ પર અમે વ્યાજબી દરે વૅક્સિન આપી રહ્યાં છીએ. એવું નથી કે અમે નફો રળી રહ્યાં છીએ, પરંતુ અમારે નફાની જરૂરત છે. દુનિયામાં બીજી કોઈ પણ વૅક્સિન બનાવતી કંપની આટલી ઓછી કિંમતે રસી પૂરી નથી પાડી રહી છે.

પૂનાવાલાએ વધુમાં જણાવ્યું કે, 3 હજાર કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી. અમે પહેલા જ હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે. કંપનીને આશા છે કે, કોવિશીલ્ડ વૅક્સિનની ઉત્પાદન ક્ષમતા જૂનથી પ્રતિ મહિના 11 કરોડ જેટલી વધી જશે.

(12:49 pm IST)