મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

પેમેન્ટ-બેન્ક એકાઉન્ટઃ રૂ બે લાખ સુધી બેલેન્સની છૂટ

નવી દિલ્હી તા. ૮ :.. ભારતીય રિઝર્વ બેન્કે દેશમાં કાર્યરત નાની પેમેન્ટ બેન્કોના ગ્રાહકોને તેમના ખાતામાં તાત્કાલીક રીતે અમલમાં આવે એ રીતે વધુમાં વધુ રૂ બે લાખ સુધીની બેલેન્સ રાખવાની છૂટ જાહેર કરી છે. આ છૂટ આ પહેલા એક લાખ રૂપિયા સુધીની હતી. આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું કે પેમેન્ટ બેન્કો તેમના ગ્રાહકોની વધી રહેલી જરૂરીયાતોને પહોંચી શકે એ માટે, નાણાંકીય પ્રવૃતિનો વ્યાપ વધારી શકાય તેમજ, પેમેન્ટ બેન્કોની ક્ષમતા વિસ્તારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ ભારતમાં છ પેમેન્ટ બેન્ક કાર્યરત છે. એરટેલ પેમેન્ટ બેન્ક, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક, ફિનો પેમેન્ટ બેન્ક, પેટીએમ પેમેન્ટ, બેન્ક, જિયો પેમેન્ટ બેન્ક અને એનએસડીએલ પેમેન્ટ બેન્ક. જે લોકો પરંપરાગત બેન્કો સાથે સંપર્કમાં રહી શકતા નથી એમને સહાયરૂપ થવા માટે આરબીઆઇએ પેમેન્ટ બેન્ક શરૂ કરવાની છૂટ આપી છે. આનું એક મોટું કારણ છે, ઓનલાઇન પેમેન્ટ કે ડીજીટલ પેમેન્ટ પ્રવૃતિઓમાં થયેલો વધારો. આવી બેન્કો વ્યકિતગત લોકો, નાની કંપનીઓ કે અન્ય સંસ્થાઓને ગ્રાહક બનાવી શકે છે. ગ્રાહકો આવી બેન્કોમાં કરન્ટ ડીપોઝીટ કે સેવિંગ્સ ડીપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આવી બેન્કો રીકરિંગ કે ફિકસ્ડ ડીપોઝીટ એકાઉન્ટ ખોલી શકતી નથી. તેઓ કોઇને લોન પણ આપી શકતી નથી. તેઓ બિનનિવાસી ભારતીયો પાસેથી ડીપોઝીટ સ્વીકારી શકતી નથી. આવી બેન્કો તેમના ગ્રાહકોને ડેબિટ કાર્ડ આપી શકે છે અને  ECS ,  NEFT અને RTGS જેવી સેવાઓ પણ આપી શકે છે. ગ્રાહકો વતી આ બેન્કો યુટિલીટી બીલની ચુકવણી કરી શકે છે. આ બેન્કો મારફત ગ્રાહકો મોબાઇલ બેન્કીંગ સેવા પણ મેળવી શકે છે.

(11:34 am IST)