મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

તો ભારતમાં કોરોનાની સારવાર મુશ્કેલ અને રસી બેઅસર થશે

બ્લૂમબર્ગની એક તાજેતરની રિપોર્ટ મુજબ, ભારત જેનેટિક સિકવેન્સિંગનું પ્રમાણ સમય રહેતા વધારશે નહીં તો દેશમાં કોરોનાની સારવાર મુશ્કેલ અને વેકસીન બેઅસર સાબિત થાય એવી ગંભીર પરિસ્થિતિ પેદા થઇ શકે છે : ભારત સંક્રમિત નમૂનાઓનું જેનેટિક સિકવન્સિંગ કરવામાં પાછળ : વધતા જતાં કેસ પાછળનું કારણ સમજવા માટે જરૂરી માહિતીનો અભાવ : બીજી લહેર વધુ ઘાતક સાબિત થાય એવી ચેતવણી

નવી દિલ્હી,તા.૮: ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. જેની પાછળ આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોએ દેશમાં કોરોનાના પોઝિટિવ સેમ્પલ્સ પર યોગ્ય રિસર્ચના અભાવને કારણભૂત ગણાવ્યું છે. નિષ્ણાંતોના મત મુજબ ભારત કોરોના સંક્રમણના પોઝિટિવ નમૂનાઓની ચોક્કસપણે તપાસ કરવામાં અસફળ રહ્યું, જેના લીધે તેની પાસે જરુરી માહિતીનો અભાવ છે જે ઝડપથી વધી રહેલા કેસના કારણને સમજવામાં મદદ કરી શકે.

બ્લૂમબર્ગની એક તાજેતરની રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો ભારત જેનેટિક સિકવેન્સિંગનું પ્રમાણ સમય રહેતા વધારશે નહીં તો દેશમાં કોરોનાની સારવાર મુશ્કેલ અને વેકસીન બેઅસર સાબિત થાય એવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.

નિષ્ણાંતો મુજબ, ભારત દેશ પોઝિટિવ સેમ્પલ્સની જેનેટિક સિકવન્સિંગ મુદ્દે બ્રિટન અને અમેરિકા જેવા દેશોની સરખામણીએ પાછળ રહી ગયો છે. સરકારી આંકડા પણ દર્શાવે છે કે ભારતે સંક્રમિત નમૂનાઓનું ૧ ટકાથી પણ ઓછુ જેનેટિક સિકવન્સિંગ કર્યું છે. બ્રિટનમાં આ આંકડો ૮ ટકા છે. જયારે અમેરિકાના જણાવ્યા મુજબ તે ગત મહિનેથી નવા કેસમાંથી આશરે ૪ ટકા સંક્રમિત નમૂનાઓની જેનેટિક સિકવેન્સિંગ કરી રહ્યું છે.

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા વેરિયેન્ટ મળ્યા પછી ડિસેમ્બર ૨૦૨૦માં ભારતમાં પણ ત્યાંથી આવનાર કેટલાક પ્રવાસીઓ તેનાથી સંક્રમિત હોવાના ખુલાસા પછી દિલ્હીમાં નમૂનાઓની તપાસ માટે ૧૦ સરકારી લેબ ઊભી કરવામાં આવી હતી. જોકે જાન્યુઆરીથી માર્ચ સુધી ભારતે ફકત ૧૧,૦૬૪ સંક્રમિત નમૂનાઓનું સિકવન્સિંગ કર્યું. ૩૦ માર્ચે આરોગ્ય મંત્રાલય દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યાં હતા. તે સમયે ભારતમાં નવા કેસના ૦.૬ ટકાથી પણ ઓછા સેમ્પલોનું સિકવન્સિંગ થયું હતું.

જોકે આરોગ્ય વિભાગનું કહેવુ છે કે, દેશમાં સંક્રમણના નવા કેસમાં વધારા સાથે નવા વેરિયન્ટનો કોઇ સંબંધ નથી. અત્યાર સુધી જે રિસર્ચ થયો એ મુજબ આ નવા પ્રકારના વાયરસમાં કેટલાક ઝડપથી ફેલાય એવા વાયરસનો પ્રકાર છે અને એક ઘાતક સાબિત થાય એવા વાયરસનો પ્રકાર છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગ મુજબ, ભારતમાં ૩૦ માર્ચ સુધી કોરોનાના યૂકે વેરિયન્ટના ૮૦૭ અને દક્ષિણ આફ્રિકા સ્ટ્રેનના ૪૭ કેસ હતા.

કેરળના અર્થશાસ્ત્રી અને પબ્લિક હેલ્થ પોલિસી એનાલિસ્ટ રિઝો.એમ.જોનના જણાવ્યા અનુસાર, રસીકરણની ધીમી કામગીરી, લોકોની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન ન કરવાના લીધે કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. ઝડપથી વધી રહ્યાં છે. તેમણે વર્તમાન સ્થિતિને લઇને ચેતવણી આપી હતી કે, અત્યાર સુધી બીજી લહેર ઓછી ઘાતક છે જેમાં મૃત્યુનું પ્રમાણ ઓછુ છે, પરંતુ આ લહેર ઘાતક સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર જે રીતે કહેર વર્તાવી રહી છે, તેને જોતાં વિશ્વના અન્ય દેશો અને આરોગ્ય સંસ્થાઓ પણ ચિંતા વ્યકત કરી ચૂકી છે. અહીં સુધી કે ભારતની વર્તમાન સ્થિતિને આખી દુનિયા માટે ખતરારુપ ગણાવી રહ્યા છે.

(10:21 am IST)