મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

કોરોનાની નવી લહેરનો કહેર ૧૨૬૩૧૫ કેસઃ ૬૮૪ મોત

છેલ્લા ૨૪ કલાકના ડરામણા આંકડા બહાર આવ્યાઃ કેસ અને મૃત્યુઆંક નવા રેકોર્ડ તોડે છેઃ એકટીવ કેસ પણ ૯ લાખ નજીક : દેશમાં કુલ કેસ ૧.૨૯ કરોડઃ કુલ મૃત્યુઆંક ૧.૬૬ લાખઃ કુલ ૮.૭૦ કરોડનું રસીકરણઃ મહારાષ્ટ્ર-દિલ્હીમાં પરિસ્થિતિ ગંભીર

નવી દિલ્હી, તા. ૮ :. કોરોના વાયરસની નવી લહેર હવે કહેર બનીને તૂટી પડી છે. રોજેરોજ રેકર્ડબ્રેક કેસ નોંધાય રહ્યા છે. કડીમાં છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨૬૩૧૫ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬૮૪ લોકોના મોત થયા છે. છેલ્લા ૪ દિવસમાં આ ત્રીજી ઘટના છે કે જ્યારે દેશમાં કેસનો આંકડો ૧ લાખની પાર પહોંચી ગયો હોય. એકટીવ કેસની સંખ્યા પણ ૯ લાખને પાર કરી ગઈ છે. મહામારી ફાટી નીકળી તે પછી છેલ્લા ૨૪ કલાકનો આંકડો સૌથી ઉંચો છે.

આ દરમિયાન ૫૯૦૦૦ લોકો સાજા પણ થયા છે. કોરોનાનો સૌથી વધુ સામનો કરતા મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૯૯૦૭ નવા કેસ આવ્યા છે અને ૩૨૨ લોકોના મોત થયા છે.

ભારતમા અત્યાર સુધીમાં કોરોનાના ૧ કરોડ ૨૯ લાખ ૧ હજાર ૭૮૫ કેસ નોંધાયા છે અને ૧ કરોડ ૧૭ લાખ ૯૨ હજાર ૧૩૫ લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં ૧ લાખ ૬૬ હજાર ૧૭૭ લોકોના મોત થયા છે.

કોરોના સંક્રમિતની સંખ્યાના હિસાબથી ભારત વિશ્વનો ત્રીજો દેશ છે. ભારતમાં અત્યાર સુધીમાં ૮ કરોડ ૭૦ લાખ લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે ૩૩.૩૭ લાખ લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં મૃત્યુદર ૧.૩૦ ટકા છે જ્યારે રીકવરી રેટ લગભગ ૯૩ ટકા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાતમાં કોરોનાએ કાળોકેર મચાવ્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરનો કહેર વિકરાળ બની રહ્યો છે. અનેક રાજ્યોમાં નિયંત્રણો, લોકડાઉન, કર્ફયુ વગેરે અમલી બનાવવામાં આવેલ છે. છત્તીસગઢ ભારતનું મહારાષ્ટ્ર પછી બીજુ હોટસ્પોટ બન્યુ છે ત્યાં રાયપુર જિલ્લામાં ૧૧ દિવસનું લોકડાઉન લાગુ કરાયુ છે.

(10:53 am IST)