મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

ઉત્તર કોરિયાએ કોરોના મુક્ત હોવાનો કર્યો દાવો: WHOને આપ્યો રિપોર્ટ: કહ્યું -હજુ સુધી કોવિડ-19નો એક પણ કેસ નથી

ઉત્તર કોરિયાએ કોરોના વાયરસ સામે દેશને બચાવવા માટે પોતાના પ્રયાસને રાષ્ટ્રના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો

ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેની સરહદમાં અત્યારસુધી કોરોના વાયરસ સંક્રમણની ઘૂસણખોરી નથી થઈ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને રજૂ કરવામાં આવેલી પોતાની રિપોર્ટમાં ફરી એકવાર ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે, ત્યાં હજુ સુધી કોવિડ-19નો એક પણ મામલો નથી આવ્યો અને તેનો રેકોર્ડ કાયમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મહામારીની શરૂઆતને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે અને અત્યારસુધી ઉત્તર કોરિયાએ પોતાના પ્રયોસોને પગલે ઘાતક વાયરસથી અંતર જાળવી રાખ્યું છે. આ ક્રમમાં તેણે પોતાની સીમાઓ બંધ કરી દીધી, પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો સાથે જ ડિપ્લોમેટ્સને બહાર કરી દીધા.

આ ઉપરાંત, સરહદ પાર ટ્રાફિકને લગભગ બંધ કરી દીધો અને મહામારીના લક્ષણ દેખાતા જ હજારો લોકોને ક્વોરન્ટાઈન કરી દીધા પરંતુ તેમ છતા ઉત્તર કોરિયાનું કહેવુ છે કે, તેના દેશમાં કોવિડ-19નો એક પણ મામલો સામે નથી આવ્યો.

 

ઉત્તર કોરિયાએ કોરોના વાયરસ સામે દેશને બચાવવા માટે પોતાના પ્રયાસને રાષ્ટ્રના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો.

ઉત્તર કોરિયાના આ દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી સ્થિતિમાં નથી અને દેશનો વ્યવસાય પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને તે વ્યવસાય તેની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઉત્તર કોરિયાના પ્રતિનિધિ એડવિલ સલ્વાડોરે બુધવારે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ કહ્યું છે કે તેણે મહામારીની શરૂઆતથી જ એક એપ્રિલ સુધી 23121 લોકોની તપાસ કરી છે, પરંતુ તેમાંથી કોઈપણ સંક્રમિત નથી. સલ્વાડોરે કહ્યું કે, ઉત્તર કોરિયાએ 26 માર્ચથી 1 એપ્રિલની વચ્ચે 732 લોકોની તપાસ કરી હતી.

WHOના અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર કોરિયામાં ક્વોરન્ટાઈન કરવામાં આવેલા લોકોની સંખ્યા હવે એજન્સી સાથે શેર નથી કરી રહ્યું. કોરોના મહામારીના વધતા સંક્રમણને જોતા ઉત્તર કોરિયાએ ટોકિયો ઓલમ્પિકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ટોકિયોમાં ઓલમ્પિક ગેમ્સનું આયોજન 23 જુલાઈથી 8 ઓગસ્ટની વચ્ચે થવાનું છે. આમ તો ઓલમ્પિકનું આયોજન ગત વર્ષે 2020માં જ થવાનું હતું, પરંતુ કોરોના વાયરસના સંક્રમણને પગલે તેને ટાળવામાં આવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ બાદ આ પહેલો પ્રસંગ હતો જ્યારે ઓલમ્પિક જેવા મહત્ત્વપૂર્ણ ખેલ આયોજનને ટાળવામાં આવ્યું હતું.

(11:39 pm IST)