મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

બ્રિટનના નાગરિકોએ સપ્તાહમાં બે વખત કોરોના ટેસ્ટ કરાવવા વડાપ્રધાન બોરિસ જોન્સનની સલાહ

ટેસ્ટ તદ્દન ફ્રી રહેશે: કિટ દુકાન, કમ્યુનિટી સેન્ટર, કુરિયર વગેરેથી ઘરે પહોંચાડાશે

લંડન : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને દેશના અર્થતંત્રને લૉકડાઉન બાદ ફરીથી ધબકતું કરવા એક યોજના જાહેર કરી છે. તેમાં દેશના દરેક નાગરિકને સલાહ અપાઇ છે કે તે દર અઠવાડિયે બે વખત કોરોના ટેસ્ટ કરાવે. સ્વાસ્થ્યમંત્રી મેટ હેંકોકે જણાવ્યું કે દરેક વ્યક્તિ 9 એપ્રિલથી અઠવાડિયામાં બે વખત મફતમાં રેપિડ કોરોના ટેસ્ટ કરાવી શકશે. લોકોને સ્થાનિક મેડિકલ દુકાન, કમ્યુનિટી સેન્ટર અને હોમ ડિલિવરી સર્વિસના માધ્યમથી ફ્રી ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાવાશે. અહેવાલ અનુસાર પીએમ જોનસન કોવિડ સ્ટેટ્સ સર્ટિફિકેશન યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

6.8 કરોડ લોકોની વસતી ધરાવતા બ્રિટનમાં કોરોનાથી બચાવ માટે અત્યાર સુધી 3.7 કરોડ લોકોને ડૉઝ આપી દેવાયા છે. તેનાથી 47% વસતી આવરી લેવાઈ છે જેને ઓછામાં ઓછો એક ડૉઝ મળી ગયો છે. 50 લાખ લોકોને બીજો ડૉઝ આપી દેવાયો છે. સરકાર માને છે કે સંપૂર્ણ વસતીના ઝડપથી ટેસ્ટ કરી અને સ્ટેટ્સ સર્ટિફિકેશન સિસ્ટમથી મહામારીને કાબૂમાં લઈ શકાશે. ઉલ્લેખનીય છે કે યુરોપમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ બ્રિટનમાં થયાં છે.

 બ્રિટનમાં 17 મેથી ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ મામલે એક ટ્રાફિક લાઈટ સિસ્ટમ બનાવાઈ છે જેમાં કોરોનાની દૃષ્ટિએ દુનિયાના બીજા દેશોને રેડ, યલો અને ગ્રીન ભાગમાં વહેંચાઈ રહ્યા છે.

ગ્રીન દેશોથી આવનારા નાગરિકોને બ્રિટનમાં આઈસોલેટ નહીં કરાય. પણ યાત્રા શરૂ કરતા પહેલાં અને બ્રિટન પહોંચતા તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. ક્વૉરન્ટાઈન, આઈસોલેશન રેડ અને યલો દેશોમાંથી આવનારા નાગરિકો પર જ લાગુ પડશે.

કોવિડ સ્ટેટ્સ સર્ટિફિકેશન સિસ્ટમ(કોરોના પાસપોર્ટ) તૈયાર કરાશે. તે હેઠળ જે લોકો પાસે આ પાસપોર્ટ હશે તેમને સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, નાઈટ ક્લબ, થિયેટર અને બીજા સમારોહમાં સામેલ થવાની મંજૂરી અપાશે.

(12:00 am IST)