મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

ઉત્તરાખંડની રુડકીમાં આઈઆઈટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ:તંત્રમાં દોડધામ : 5 હોસ્ટેલને સીલ

સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર વિદ્યાર્થીઓ માટે એક ગેસ્ટ હાઉસને પણ ક્વોરન્ટાઈન બનાવી દેવાયું

નવી દિલ્હી : ઉત્તરાખંડની રુડકીમાં આવેલી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) માં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતા 5 હોસ્ટેલને સીલ કરી દેવાઈ છે

આઈઆઈટી રુડકીના મીડિયા સેલ પ્રભારી સોનિકા શ્રીવાસ્તવે જણાવ્યું કે સંસ્થાનમાં 60 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે. વિદ્યાર્થીઓને ઘેર મોકલી દેવાયા છે અને તેમને આગામી આદેશ સુધી સંસ્થાનમાં ન આવવાનું જણાવી દેવાયું છે. હરિદ્વાર જિલ્લા આરોગ્ય વિભાગે કોરલ, કસ્તૂરબા, સરોજિની, ગોવિંદ ભવન અને વિજ્ઞાન કૂંજ નામની પાંચ હોસ્ટેલોને સીલ મારીને તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધી છે. હાલમાં સંસ્થામાં લગભગ 3000 વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે અને તેમાંથી લગભગ 1200 હોસ્ટેલમાં રહીને ભણી રહ્યાં છે.

શ્રીવાસ્તવે જણાવ્યું કે વિદ્યાર્થીઓને તેમની રુમમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમને રુમની અંદર જ ભોજન અને બીજી જરુરી વસ્તુઓ આપવામાં આવી રહી છે. સંસ્થાને ગંગા ભવન હોસ્ટેલને જિલ્લા આરોગ્ય વિભાગની દેખરેરખમાં કોવિડ કેન્દ્રમાં બદલી દેવાયું છે. જ્યાં ચેપી વિદ્યાર્થીઓની સારવાર કરાઈ રહી છે. તે ઉપરાંત સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર વિદ્યાર્થીઓ માટે એક ગેસ્ટ હાઉસને પણ ક્વોરન્ટાઈન બનાવી દેવાયું છે.

(12:00 am IST)