મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

ચૂંટણી પહેલાં TMCમાં વધુ એક ભંગાણ : 5 ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા : હજુ પણ આફ્ટર શોક આવશે

ટિકિટથી વંચિત ધારાસભ્યોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના 20 દિવસ પહેલાં TMCને વધુ એક મોટો ફટકો પડ્યો છે ટીએમસીના 5 ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે અને હજુ બીજા આફ્ટર શોક આવવાની પણ સંભાવના છે. મમતાનો સાથ છોડનારામાં સોનાલી ગુહા, દીપેન્દ્રુ બિશ્વાસ, રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટૂ લાહિડી, શીતલ સરદાર અને સરલા મુર્મૂનો સમાવેશ થાય છે.

  ટીએમસીના આ બધા ધારાસભ્યોએ સોમવારે પશ્ચિમ બંગાળ ભાજપ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ, શુભેન્દુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય 2001થી સિંગુર વિધાનસભા બેઠકથી ટીએમસી ધારાસભ્ય ચૂંટાય છે. તેઓ સિંગુર આંદોલનના મુખ્ય ચહેરાઓમાંના એક છે. આ વખતે ટીએમસીએ તેમને ટીકિટ આપી નહીં.

તૃણમુલ કોંગ્રેસે 291 બેઠકો માટેના પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં 50 મહિલાઓ છે. 2016ની ચૂંટણીમાં 45 મહિલાઓને ટિકિટ આપી હતી. ભાજપમાં આજે જોડાનારા 5 સીટિંગ ધારાસભ્યોને મમતાની પાર્ટીએ ટિકિટ આપી નથી. તેથી તેઓ ભાજપમાં જોડાયા હોવાનું મનાય છે.

 આમ તો ટિકિટ વહેંચણી પહેલાં જ ટીએમસીમાં ધમાસાણ શરુ થઇ ગયું હતું અને શુભેન્દુ અધિકારી સહિતના ઘણા નેતા ભાજપમાં જોડાઇ (TMC MLA in BJP) ગયા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 27 માર્ચથી 8 તબક્કામાં ચૂંટણીઓ થવાની છએ. પ્રથમ તબક્કામાં 30 બેઠકો માટે 27 માર્ચે મતદાન થશે. જ્યારે 1 એપ્રિલે બીજા, 6 એપ્રિલે ત્રીજા, 10 એપ્રિલે ચોથા, 17 એપ્રિલે 5મા, 22 એપ્રિલે 6ઠ્ઠા, 26 એપ્રિલે સાતમા અને 29 એપ્રિલે 8મા તબક્કાની ચૂંટણીઓ થશે. 2મેના રોજ મતગણતરી હાથ ધરાશે.

(6:57 pm IST)