મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

મહારાષ્ટ્ર-ગુજરાત સહિતના રાજયોમાં કોરોનાનો કહેર

બે થી ત્રણ ગણા થઇ ગયા દૈનિક કેસ

નવી દિલ્‍હી, તા.૮: ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્‍યાર સુધી કોરોના વાયરસના કેસમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં વૃદ્ધિ જોવા મળી રહી હતી પરંતુ હવે કેરળ, તમિલનાડુ, દિલ્‍હી, મધ્‍ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં દૈનિક કેસ સામે આવી રહ્યા છે. આ બધા રાજયોની સરકારો અલર્ટ પર છે.

કેન્‍દ્ર સરકાર સતત નવા કેસ મામલે નજર રાખી રહી છે ત્‍યારે મહારાષ્ટ્ર અને પંજાબમાં કેન્‍દ્રએ હાઇ લેવલ ટીમ નિયુક્‍ત કરી દીધી છે જયાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્‍યો છે.

સોમવારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ આનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૫૯૯ કેસ સામે આવ્‍યા છે અને સાથે કુલ કેસની સંખ્‍યા ૧,૧૨,૨૯,૩૯૮ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે જે બાદ ભારતમાં કુલ મોતનો આંકડો ૧,૫૭,૮૫૩ થઈ ગયો છે.

ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ખૂબ તેજીથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૧ હજારથી વધારે કેસ સામે આવ્‍યા છે અને ૧૬ ઓકટોબર બાદ પહેલીવાર આટલા બધા કેસ એક જ દિવસમાં સામે આવ્‍યા છે. આ પહેલા સતત બે દિવસ સુધી ૧૦ હજારથી વધારે કેસ સામે આવ્‍યા હતા.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ૧૧ માર્ચથી ૪ એપ્રિલ સુધી આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્‍યું છે. આ દરમિયાન સવારે ૬ થી રાત્રિના ૯ વાગ્‍યા સુધી જનજીવન સામાન્‍ય રહેશે અને તે બાદ કફ્‌ર્યૂ લગાવી દેવામાં આવશે. આ સિવાય શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.

મહારાષ્ટ્રની સાથે મધ્‍ય પ્રદેશ અને ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી ૫૦૦થી વધારે કેસ સામે આવી રહ્યા છે.

(3:58 pm IST)