મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

બિહારના કટિહાર જિલ્લાનો હચમચાવી દેતો બનાવ

મજબૂર પિતા : પોલીસે મદદ ન કરતા દીકરાની લાશને પ્લાસ્ટિકની થેલીમાં નાંખીને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવી પડી

૧૩ વર્ષના બાળકની લાશ મળી આવ્યા બાદ પોલીસે તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા કોઇ મદદ ન કરી

પટના તા. ૮ : બિહારમાં પોલીસની ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પિતાને તેના દીકરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ જવાની ફરજ પડી હતી. પોલીસ કોહવાય ગયેલી લાશ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકી ન હતી. જે બાદમાં પિતા એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તેના દીકરીની લાશ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ ગયા હતા. પિતા પુત્રનો મૃતદેહ ભરીને જઈ રહ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી છે.

કટિહાર જિલ્લાના કુરસેલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ગામ ખાતે આ બનાવ બન્યો હતો. આ મામલે રાજયના પોલીસ હેડકવાર્ટર તરફથી બે જૂનિયર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કેસની તપાસ ડીએસપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી હતી. પોલીસે મદદ ન કરતા પિતાએ તેના પુત્રની લાશ થેલામાં ભરીને જાતે જ કટિયારની સદર હોસ્પિટલ ખાતે લઈ જવી પડી હતી.

આ બનાવની વિગતે વાત કરીએ તો ગોપાલપુર પોલીસ સ્ટેશન હેઠળના એક ગામનો લેરૂ યાદવ ૨૬મી ફેબ્રુઆરીના રોજ પોતાના ૧૩ વર્ષના દીકરા સાથે એક નાની બોટમાં ગંગા નદી પાર કરી રહ્યો હતો. બોટ નદીની વચ્ચે પહોંચી હતી ત્યારે લેરૂનો દીકરો બોટમાંથી નીચે પડી ગયો હતો અને પાણીમાં તણાયો હતો. જે બાદમાં લેરુએ કલાકો સુધી પોતાના દીકરાની શોધખોળ કરી હતી. જે બાદમાં લેરુએ ગોપાલપુર પોલીસ (ભાગલપુર)ને જાણ કરી હતી. પોલીસે આ બનાવની નોંધ કરીને લેરૂને નદીના નીચાણવાળા વિસ્તારમાં દીકરાની શોધખોળ ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

થોડા દિવસ પહેલા કટિહારના કુરસેલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખેરિયા ઘાટ ખાતેથી કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે કુરસેલા પોલીસ સ્ટેશને ગોપાલપુર પોલીસને જાણ કરી હતી. લેરૂએ શર્ટના આધારે લાશ તેના દીકરાની જ હોવાની ઓળખ કરી હતી. જોકે, મળી આવેલી લાશ ખૂબ કોહવાયેલી હાલતમાં હતી અને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી.

જોકે, લેરૂની મુશ્કેલી અહીંથી જ શરૂ થઈ હતી. તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લેરુને તેના દીકરાની લાશને કટિહારની હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાનું કહ્યું હતું. લેરુને આવી સૂચના આપ્યા બાદ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ રવાના થઈ ગયા હતા.

(11:02 am IST)