મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

પાકિસ્તાનમાં હિન્દુ પરિવારના ૫ લોકોનો નરસંહાર : ચપ્પુ -કુહાડીથી કાપી નાખ્યાં ગળા

પાકિસ્તાનમાં ફરી એક વાર લઘુમતી હિન્દુ અને શિખ સમુદાયના લોકોમાં ડરનો માહોલ બની ગયો છે

નવી દિલ્હી,તા. ૮: પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર કોઇથી છુપા નથી અને નવા પણ નથી. અહીં લઘુમતી હિન્દુ, ખ્રિસ્તી, સિખો પર અત્યાચારો થતાં રહે છે, કયારેક મંદિર, ગુરુદ્વારા પર પથ્થરમારો કરવામાં આવે છે તો કયારેક હિન્દુ, સિખ યુવતીઓનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અને લગ્ન કરાવવામાં આવે છે. તો કયારેક હિન્દુ મંદિરની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવે છે. હાલમાં જ પાકિસ્તાનમાં એક હિન્દુ પરિવારના નરસંહારની ઘટના સામે આવી છે.

પાકિસ્તાનમાં એક હિન્દુ પરિવારના ૫ લોકોના નિર્દયી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના રહીમ યાર ખાન શહેરથી ૧૫ કિલોમીટર દૂર ચક નંબર 135-P, અબુ ધાબી કોલોનીની છે. સામાજિક કાર્યકર્તા બિરબલ દાસે કહ્યું હતું કે જઘન્ય હત્યાની આ ઘટના રામચંદ મેઘવાલના પરિવારમાં થઈ છે. તે ટેલરિંગની દુકાન ચલાવી રહ્યા હતા. ૫ લોકોનો નરસંહાર બાદ પાકિસ્તાનમાં ફરી એકવાર લઘુમતી હિન્દુ અને સિખ સમુદાયના લોકોમાં ડરનો માહોલ બની ગયો છે.

પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ મુજબ, અબુ ધાબી કોલોનીમાં રહેતા આ પરિવારના બધાં લોકોનું ગળું ધારદાર હથિયારોથી કાપી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન પોલીસે ઘરમાંથી ચપ્પુ અને કુહાડી જપ્ત કરી છે. હુમલો કરનારાઓએ ઘટનામાં આજ હથિયારોનો ઉપયોગ કર્યો છે. રામચંદ મેઘવાલની ઉંમર ૩૫-૩૬ વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે પોતાના પરિવાર સાથે શાંતિપૂર્વક જિંદગી વિતાવી રહ્યો હતો, પરંતુ આતંકવાદીઓને એ પસંદ ન આવ્યું. હુમલો કરનારા કોણ હતા અને હત્યાની ઘટના શા માટે કરવામાં આવી? તેનું કારણ હજુ જાણી શકાયું નથી.

પાકિસ્તાનમાં હિન્દુઓને નિશાનો બનાવવાની ઘટના મોટાભાગે સંભળાતી રહે છે. કયારેક તેમની દુકાનો લૂટવામાં આવે છે તો કયારેક તેમની બહેન-દીકરીઓની ઇજ્જત, તો કયારેક તેમના ધર્મસ્થળો ધ્વસ્ત કરાવામાં આવે છે. બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન અને દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ઈમરાન સરકાર માટે કટ્ટરપંથીઓ પર લગામ લગાવવી મુશ્કેલ થતું જઈ રહ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અટારીના રસ્તે ભારત પહોંચેલા લગભગ ૧૦૦ હિન્દુઓએ ત્યાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો પર ખૂલીને વાત કરી હતી.

પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ પરિવારોમાં મહિલાઓ સાથે સાથે યુવા છોકરીઓ પણ સામેલ હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ પાકિસ્તાની હિન્દુઓનું જીવન બદતર કરી નાખ્યું છે. પાકિસ્તાનમાં માણસાઈ પૂરી થઈ ચૂકી છે. તેઓ ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓને બોલીને આવ્યા છે કે તેઓ ભારતમાં જ રહેવા માંગે છે. તેઓ પોતાની સાથે મૃતક પરિવારજનોની અસ્થિઓ પણ લઈને આવ્યા હતા.

(10:19 am IST)