મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ માટે શાળા શિક્ષણની ટાસ્કફોર્સ સમિતિની સરકારને ભલામણો

ધો.૧ થી ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી ભાષાનું પણ શિક્ષણ અપાશે

ધો.૯ થી ૧૨ સળંગ એકમ ગણાશેઃ ધો.૧૦માં અંકગણિત, માનવજીવન વિજ્ઞાન શીખાવાડાશે : શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિએ કરેલી ભલામણો

નવી દિલ્હી, તા.૮: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦નો અમલ થવાનો છે તે પૂર્વે શાળાકક્ષાએ તેનો કેવી રીતે અમલ કરવો તેની ભલામણો શાળા શિક્ષણ માટેની ટાસ્ક ફોર્સ સમિતિએ રાજય સરકારને મોકલી આપી છે. જેના આધારે સરકાર નિર્ણય કરશે. ગત ૯ ફેબ્રુઆરીના રોજ જીસીઈઆરટી ખાતે મળેલી ચોથી બેઠકમાં ૧૮ સભ્યોની કમિટીએ ઘણી મહત્ત્વની ભલામણો કરી છે. જે અહીં સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.

હાલની ૧૦+૨ના માળખામાં બદલાવ લાવીને નવીન ૫+૩+૩+૪ રાખવું.

પ્રથમ પાંચ વર્ષમાં પૂર્વ પ્રાથમિક ૩ વર્ષ અને ધો.૧ અને ૨નું પાયાનું શિક્ષણ. ત્રણ વર્ષ એટલે ધો.૩ થી ૫, ત્રણ વર્ષ એટલે ધો.૬ થી ૮ અને ૪ વર્ષ એટલે ધો.૯ થી ૧૨ ગણવું. પ્રથમ પાંચ વર્ષ એટલે કે બાળકની ઉંમરના ત્રણ વર્ષના પાયાના તબક્કામાં શરૂઆતના બે વર્ષ આંગણવાડી-પૂર્વ પ્રાથમિકના રહેશે. ત્યારપછીનું એટલે કે ધો.૧ પહેલાનું વર્ષ બાલવાટીકા તરીકે ઓળખાશે.

પૂર્વ પ્રાથમિક-આંગણવાડીમાં પ્રવેશ મેળવવા માટે ત્રણ વર્ષ પૂર્ણ કરેલ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવો.

હાલમાં ધો.૯-૧૦ માધ્યમિક શિક્ષણ અને ધો.૧૧-૧૨ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એમ બે ભાગ છે તેના બદલે ધો.૯ થી ૧૨ ચાર વર્ષનું સળંગ એકમ કરવું જોઈએ.

રાજયમાં ધો.૧માં હાલ ભાષા તરીકે ગુજરાતી અને ગણિત વિષયનો સમાવેશ થયો છે. એનઈપીમાં દર્શાવેલ દ્વિભાષા સૂત્ર અમલીકરણ અન્વયે ધો.૧થી ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી વિષયની શરૂઆત કરવામાં આવે. ધો.૧ થી ૩ દરમિયાન શીખવવામાં આવતી અંગ્રેજી ભાષાને જે તે ધોરણની પરીક્ષાનો ભાગ નહીં બને.

હાલ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન વિષય ફરજિયાત છે. પરંતુ ધો.૧૦ પછી વિદ્યાર્થીઓ અન્ય કોર્સ તરફ વળે છે અને તેમને આ વિષયો કામ આવતા નથી. આથી વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્ય કોર્સમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક કક્ષાએ ગણિત અને વિજ્ઞાન વિષયના વિકલ્પમાં દૈનિક જીવનમાં ઉપયોગી એવા અંકગણિત અને માનવજીવન વિજ્ઞાન જેવા વિષયો અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે.

હવેથી પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સ્નાતક, અનુસ્તાક કક્ષાના ગુણ તેમજ ટેટ-ટાટ પરીક્ષાના ગુણ સાથે ઉમેદવારની ત્રણ સ્તરીય પસંદગી પ્રક્રિયા યોજાશે. જેમાં પરીક્ષા, ઈન્ટરવ્યૂ અને વર્ગખંડ પ્રક્રિયા નિદર્શનનો સમાવેશ થાય છે.

રાજયમાં પૂર્વ પ્રાથમિક સંસ્થાઓના નિયમન માટે સ્ટેટ પ્રિપ્રાયમરી રેગ્યુલેટરી બોડીની રચના કરવી.-ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાના પરિરૂપમાં ફેરફાર કરવાના થાય છે. આ અંગે રાજય સ્તરની સમિતિની રચના કરવામાં આવે જે કેન્દ્રીય ધારાધોરણો અને ભલામણોને ધ્યાને રાખી નવું પરિરૂપ તૈયાર કરવાનું સૂચન કરે.-રાજયની તમામ સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ધો.૩, ૫, ૮ની પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડને સોંપવામાં આવે.

આરટીઈ એકટની જોગવાઈ પ્રમાણે ૬૦ કરતા ઓછી સંખ્યા હોય અને ધો.૧ થી ૫ની શાળા હોય તેવી શાળાની એક કિમીની ત્રિજયામાં વધુ સંખ્યાવાળી ધો.૧ થી ૫ શાળા આવેલી હોય તેમાં તેને મર્જ કરવી.

(10:16 am IST)