મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

પસ્તીના ભાવ વધારાથી કાગળ ઉદ્યોગ સંકટમાં

સંગ્રહખોરોના કારસ્તાનથી કાચા માલના ભાવ બમણા થઇ ગયા : કોરોના પહેલા રૂ.૧૦ થી ૧૩ માં મળતી પસ્તીના ભાવ રૂ.૨૨ થી ૨૪ થઇ ગયા : પેપર મીલોથી લઇને રાઇટીંગ, પ્રિન્ટીંગ, ન્યુઝપ્રિન્ટ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ સુધી માઠી અસર : સરકાર મધ્યસ્થી કરી સંગ્રહખોરો પર તવાઇ બોલાવે તેવી ઇન્ડીયન એગ્રો એન્ડ રિસાઇકલ્ડ પેપર મિલ્સ એસોસીએશનની માંગણી

નવી દિલ્હી તા. ૬ : પેપર બોર્ડ પ્રોડકશનમાં ૬૫ થી ૭૦ ટકાની ભાગીદારી ધરાવતા રીસાઇકલ્ડ ફાયબર એટલેકે પસ્તી આધારીત પેપર મિલો સંકટમા મુકાય ગઇ છે. કાચો માલ ગણાતી પસ્તીના ભાવમાં બમણો વધારો થતા આ સમસ્યા સામે આવી હોવાનું ઇન્ડયન એગ્રો એન્ડ રીસાઇકલ્ડ પેપર મિલ્સ એસોસીએશને જણાવ્યુ છે.

વેપાર મંત્રાલયને લખેલા પત્રમાં આઇએઆરપીએમએ જણાવ્યુ છે કે દેશમાં વર્ષે ૨.૫ કરોડ ટન કાગળનું ઉત્પાદન થાય છે. જેમાંનું ૧.૭ કરોડ ટન કાગળ ઉત્પાદન પસ્તીમાંથી થાય છે. આવા રદ્દી કાગળની કિંમતમાં છેલ્લા છએક માસથી ઉત્તરોતર વધારો થતો આવ્યો છે. જેના પરિણામે કાગળ ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. પરિણામ સ્વરૂપે આની માઠી અસર રાઇટીંગ, પ્રિન્ટીંગ, ન્યુઝપ્રિન્ટ અને પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ પર પણ પડી શકે છે.

આઇએઆરપીએમએ એવી શંકા વ્યકત કરી છે કે આ પસ્તીના ભાવમાં એકાએક જે વધારો આવ્યો છે તે ચાલ છે. કૃત્રિમ ભાવ વધારો છે. કોરોના પહેલા ૧૦ થી ૧૩ રૂપિયે કિલો મળતી પસ્તી આજે ૨૨ થી ૨૪ રૂપિયે મળી રહી છે. સીધ્ધો બમણો ભાવ વધારો છે. ક્રાફટ વેસ્ટ પેપરની કિંમત પણ ૨૨ રૂપિયે કિલો છે. જે કોરોના પહેલા ૧૦ રૂપિયે કિલો હતી.

પસ્તીનો ભાવ વધારો નફાખોરી માટે સંગ્રહખોરી કરતા લોકો અને કાર્ટેલ રચવાવાળા લોકો જવાબદાર હોવાનો આરોપ પણ લગાવાઇ રહ્યો છે. આઇએઆરપીએમના પ્રમુખ પ્રમોદ અગ્રવાલે જણાવ્યુ કે કેટલાક લોકો પસ્તીની ઉપલબ્ધતા અને તેની કિંમત પર નિયંત્રણ લાદી રહ્યા છે. જેના કારણે પેપર મિલો માટેે ઉત્પાદન ઘટાડવા સીવાય કોઇ વિકલ્પ ન રહ્યો. જયાં કાચો માલ જ ઉપલબ્ધ ન થાય તો નવો કાગળ બજારમાં કઇ રીતે આવી શકે. વળી કાચા માલમાં રૂ.૧૦ સુધીનો વધારો પરવળી શકે તેમ નથી. જેથી ફિનીશ્ડ ન્યુઝપ્રિન્ટ અને અન્ય ગ્રેડના કાગળોની કિંમતોમાં વધારો થવાની પુરી શકયતાઓ જોવાઇ રહી છે. સાથે પેપર મિલ્સ પોતાનો ધંધો સમેટી શકે તેમ પણ નથી. કેમ કે વ્યાજ અન પગાર સહીતના કેટલાય ખર્ચા સરભર કરવાના હોય છે.

શ્રી અગ્રાવલે જણાવેલ કે લોક જે પસ્તી વહેંચે છે તેનો ભાવ તો રૂ.૧૦ થી ૧૨ જ હોય છે. પરંતુ કૃત્રિમ ખેંચ ઉભી કરવા મથતા લોકો સંગ્રહખોરી કરીને પેપર મિલ્સ સુધી પહોંચતા પહોંચતા પસ્તીના ભાવ વધારી દયે છે. સરકાર આમા મધ્યસ્થી કરે અને ગોડાઉનોમાં સંગ્રહ થયેલ પસ્તીની બજારમાં લાવવા રેડ પાડે તેવી પણ માંગણી ઉઠી છે. સંગ્રહખોરીથી પસ્તીના ભાવ વધારનારાઓને ખુલ્લા પાડવા જરૂરી છે. તો જ કાગળ ઉત્પાદન અને વપરાશકારોની ચેનલ બરાબર કામ કરતી થશે.

(10:15 am IST)