મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

ભારતની કોરોના વેક્સિનની કવાયતથી આખા વિશ્વને આ મહામારીથી બચવામાં ફાયદો: અમેરિકન વૈજ્ઞનિક

પીટરે કહ્યું કે રસીનો રોલઆઉટ એ ભારત તરફથી આખી દુનિયાને ભેટ છે.

અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકે કોરોના વાયરસ રસી માટે ભારતની પ્રશંસા કરી છે. અમેરિકાના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે ભારતે આ રસીની ક્વાયદ શરૂ કરી હતી જેનાથી આખા વિશ્વને આ મહામારીથી બચવામાં ફાયદો મળ્યો છે.

આવા સંજોગોમાં ભારતના સિંહફાળાને નજરઅંદાજ ન કરવો જોઇએ. કોરોના રોગચાળા દરમિયાન, ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે દવાના શ્રેષ્ઠ અનુભવની સાથે ભારતના ફાર્મા ઉદ્યોગે દુનિયામાં પોતાનું મહત્વ સ્થાપિત કર્યું છે. ભારતે કોરોના વાયરસની બે રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે, ત્યારથી દુનિયાના ઘણા દેશોમાં વેક્સિન મૈત્રી ડિપ્લોમસી હેઠળ સૌજન્ય રૂપે રસી આપવામાં આવી રહી છે.ભારતમાંથી હજુ પણ વિદેશોમાં રસી મોકલવામાં આવી રહી છે.

હ્યુસ્ટનના બાયલર કોલેજ ઓફ મેડિસિન (BCM) ના નેશનલ સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો.પીટર હોત્ઝે તાજેતરના વેબિનાર દરમિયાન જણાવ્યું હતું કે mRNA બેઝ્ડ બે રસી વિશ્વના નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોને અસર કરી શકશે નહીં. , પરંતુ ભારતની રસીઓ, જે ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી બનાવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં સપ્લાય કરવામાં આવે છે, તેમાં ભારતના ફાળાને ઓછો આંકી શકાય નહીં. વેબિનારને સંબોધતા પીટરે કહ્યું કે રસીનો રોલઆઉટ એ ભારત તરફથી આખી દુનિયાને ભેટ છે.

ભારતે કટોકટીના ઉપયોગ માટે જે બે કોરોના રસીઓને મંજૂરી આપી છે તેમાંથી એક કોવિશિલ્ડ છે અને બીજી કોવાક્સિન છે. એસ્ટ્રાઝેનેકા પાસેથી લાઇસન્સ મેળવ્યા પછી, કોવિશિલ્ડનું નિર્માણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુના દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, કોવાક્સિન એ એક સંપૂર્ણ સ્વદેશી રસી છે અને ભારત બાયોટેક અને ICMRના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે વિકસિત કરી હતી. તાજેતરમાં આ રસીના ત્રીજા ટ્રાયલના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તે ૮૧ ટકા પ્રભાવક જણાઈ હતી.

(12:00 am IST)