મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

કોરોના વાયરસ ઇફેક્ટ વચ્ચે ક્રૂડ કિંમતમાં ૨૦ ટકા ઘટાડો

ક્રૂડની કિંમત ઘટતા ભારતને અનેક ફાયદાઓ : ફ્યુઅલ ઉપર સબસિડી ઘટવાની આશા : આવક વધારવા માટે ડ્યુટીમાં વધારો કરાશે : વિશ્વના અર્થતંત્ર ઉપર અસર

નવીદિલ્હી, તા. ૮ : ચીનમાં કોરોના વાયરસે જોરદાર આતંક મચાવી દીધા બાદ ભારે હાહાકાર મચેલો છે ત્યારે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસના બજાર ઉપર માઠી અસર થઇ રહી છે. તેલની કિંમતમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. એલએનજીની કિંમતમાં પણ રેકોર્ડ ઘટાડો થઇ ચુક્યો છે જેના પરિણામ સ્વરુપે તેલ અને ગેસ ઉત્પાદકો એકબાજુ કિંમતો ઘટાડવા માટે મજબૂર બન્યા છે ત્યારે બીજી બાજુ ભારતીય ગ્રાહકો માટે પણ આ ખુબ સારી તક દેખાઈ રહી છે. ક્રૂડની કિંમતો ઘટવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે તેમની પાસે અન્ય ખર્ચ માટે પણ વધારે રકમ રહી નથી. છેલ્લા એક મહિનાના ગાળામાં ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસની કિંમતમાં સતત ઘટાડો થયો છે.

        ૭મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે ચીન સરકારે કોરોના વાયરસ ફેલાયો હોવાનો દાવો કર્યો હતો અને આની વિધિવત જાહેરાત કરી હતી. ત્યારથી લઇને હજુ સુધી ક્રૂડ ઓઇલ એટલે કે તેલની કિંમતોમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે અને ૨૦ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. હવે ક્રૂડ ૫૫ રૂપિયા પ્રતિબેરલની સપાટી ઉપર પહોંચી ચુક્યો છે. એટલે કે ૧૩ ડોલરનો ઘટાડો થયો છે. એલએનજીની વાત કરવામાં આવે તો એક મહિનામાં તે ૩ ડોલર પ્રતિ ઘટાડો દર્શાવે છે. ચીનમાં હાલત કફોડી બનેલી છે. ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની કિંમતો ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદથી ભારતને શ્રેણીબદ્ધ ફાયદા દેખાઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર ખર્ચની રકમ ઓછી રહેશે. ગ્રાહકોને ફાયદો થશે. આનાથી લોકોના હાથમાં વધારે પૈસા પણ આવશે. ક્રૂડ ઓઇલની કિંમતો ઓછી રહેવાથી એકાઉન્ટ ડેફિસિટ, રૂપિયા અને મોંઘવારીના દર પણ સ્થિર રહેશે. ફ્યુઅલ પર મળનાર સબસિડી ઘટવાની આશા પણ દેખાઈ રહી છે. કોરોના વાયરસ ફેલાયા બાદથી એક મહિનાના ગાળામાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બંનેની કિંમતમાં ત્રણ ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. બીજી બાજુ ચીનના ગ્રોથ રેટના અંદાજમાં પણ ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે.

         ચીનમાં ૭૦૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે અને વૈશ્વિક સ્તર પર ૩૫૦૦૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ઔદ્યોગિક ગતિવિધિઓ ચીનમાં ઠપ પડી ગઈ છે. આવી સ્થિતિમાં જો ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થશે તો કોરોના વાયરસના કારણે વૈશ્વિક જીડીપી ૦.૨૦થી ૦.૩૦ ટકા સુધી ઘટી શકે છે. ક્રૂડની કિંમતમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ઓસ્ટ્રેલિયન નિષ્ણાતોના કહેવા મુજબ ક્રૂડમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. વર્લ્ડ ટ્રેડમાં હવે ચીનનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસના કારણે તેની તકલીફમાં વધારો થયો છે.

ભારતને કયા ફાયદા...

*   ક્રૂડની કિંમત ઘટવાથી પેટ્રોલ અને ડીઝલ પર ઓછો ખર્ચ થશે

*   ક્રૂડની કિંમત ઓછી રહેવાથી એકાઉન્ટ ડેફિસિટ, ડોલર સામે રૂપિયો અને મોંઘવારી પર બ્રેક મુકાશે

*   ફ્યુઅલ પર મળનાર સબસિડીમાં ઘટાડો થવાના સંકેત

*   આવક વધારવા માટે સરકાર ડ્યુટીમાં વધારો કરશે

*   એલએનજી ટર્મિનલ ઓપરેટર ઓછી કિંમતોનો ફાયદો ઉઠાવીને સસ્તા ગેસનો જથ્થો સ્ટોર કરી શકે છે

(7:46 pm IST)