મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્હી ચૂંટણી : અરવિંદ કેજરીવાલ અને સ્મૃતિ ઇરાની આમને સામને

મહિલાઓમાં મતદાનની ટકાવારી મુદ્દે આક્ષેપો : અરવિંદ કેજરીવાલે મહિલાઓને મતદાન કરવા અપીલ કર્યા બાદ છેડાયેલ વિવાદ : અરવિંદ કેજરીવાલ ઉપર સ્મૃતિ ઇરાનીના વળતા પ્રહારો

નવીદિલ્હી, તા. ૮ : મહિલાઓને પુરુષોથી ચર્ચા કરીને મતદાન કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૂચન કર્યા બાદથી આને લઇને જોરદાર હોબાળો મચી ગયો છે. આને લઇને કેજરીવાલ અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની આમને સામને આવી ગયા છે. સ્મૃતિ ઇરાનીએ જવાબ આપતા કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ બિનજરૂરીરીતે વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણિતા રહ્યા છે. કેજરીવાલે કહ્યું છે કે, સમગ્ર ઘરના વોટ આ વખતે મહિલાઓ દ્વારા જ નક્કી કરવામાં આવ્યા છે. કેજરીવાલે લખ્યું છે કે, દિલ્હીની મહિલાઓએ કોને મત આપવા જોઇએ તે વાત પહેલાથી જ નક્કી કરી લીધી છે. સમગ્ર દિલ્હીમાં આ વખતે પોતાના પરિવારના મત કોને જવા જોઇએ તે મહિલાઓ નક્કી કરી ચુકી છે. કારણ કે મહિલાઓ જ ઘર ચલાવે છે. સ્મૃતિ ઇરાનીના જવાબમાં કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, તમામ લોકોને જઇને પોતાના મત આપવા જોઇએ.

         આ કોઇપણ પાર્ટી માટે હોઈ શકે છે પરંતુ મતાધિકારનો ઉપયોગ તમામ લોકોએ કરવો જોઇએ. કેટલીક વખત એવું બને છે કે, મહિલાઓ ઘરે જ રહે છે અને મત આપવા જતી નથી. સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલ પર જોરદાર પ્રહાર કર્યા છે. ઇરાનીએ કહ્યું છે કે, કેજરીવાલ મહિલાઓને પોતે કોને મત આપવા જોઇએ તે વાત નક્કી કરી શકતી નથી તેમ સમજે છે. કેજરીવાલે આજે સવારે મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મહિલાઓને અપીલ કરી હતી કે, મહિલાઓ જ ઘર ચલાવે છે જેથી તેમને મતદાન કરવા માટે પણ મોટાપાયે બહાર આવવું જોઇએ. પોતાના ઘરના પુરુષને કઇ પાર્ટીને મત આપવા જોઇએ તે વાત પણ કરવી જોઇએ. કેજરીવાલે ટ્વિટ કરીને એમ પણ કહ્યું છે કે, આ વખતની ચૂંટણી જુદા જુદા મુદ્દાઓના આધાર પર લડવામાં આવી છે અને ચૂંટણી નિર્ણાયક બની રહેશે.

(7:44 pm IST)