મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્હી : શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે અપેક્ષા કરતા થયેલું ઓછું મતદાન

૫૩થી ૫૭ ટકા વચ્ચે મતદાન થતાં ભારે સસ્પેન્સની સ્થિતિ : મતદાનને વધારવાના તમામ પ્રયાસો છતાં વર્ષ ૨૦૧૫ની ચૂંટણી કરતા પણ ઓછું મતદાન થયું : તમામ ૬૭૨ ઉમેદવારના ભાવિ હવે ઇવીએમમાં સીલ

નવી દિલ્હી,તા.૮ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે સઘન સુરક્ષા અનેક પ્રકારની અપેક્ષાઓ વચ્ચે ૫૩થી ૫૭ ટકા સુધી મતદાન થયું હતું. ૨૦૧૫ની સરખામણીમાં ઓછું મતદાન રહ્યું હતું. ઉંચા મતદાનની ખાતરી કરવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં પણ દિલ્હીમાં પ્રમાણમાં ઓછું મતદાન રહ્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ એએપી અને ભાજપ દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા હતા. આજે દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો દોર જારી રહ્યો હતો. મતદાન પૂર્ણ થતાંની સાથે જ તમામ ૬૭૨ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. શરૂઆતમાં કેટલીક જગ્યાએ મતદારોની લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએ મતદારોનો ઉત્સાહ દેખાયો ન હતો.  છેલ્લી ઘડીએ મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા હતા. ચૂંટણી પંચે પણ લાઈનમાં રહેલા મતદારોને મતદાન કરવાની તક આપી હતી. 

            રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ સવારમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે તેમના પરિવારની સાથે પહોંચી જઇને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પણ સવારમાં માતાના આશિર્વાદ લીધા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉંચા મતદાનની ખાતરી કરવા માટે આ વખતે વિવિધ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમના પત્નિ સાથે પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્થિત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રિય વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  મતદાનને લઈને તમામ તૈયારીઓ  પહેલાથી કરી લેવામાં આવી હતી.  સવારે ૮ વાગ્યાથી મતદાનની શરૂઆત થયા બાદ સાંજે ૬ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. દિલ્હીમાં ૨૭૦૦ મતદાન કેન્દ્રો ઉપર મતાધિકારનો ઉપયોગ કરવા મતદાર સવારથી ઉત્સુક દેખાયા હતા. હવે ચૂંટણી પરિણામ ૧૧મી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તા ટકાવી રાખશે કે કેમ તેને લઈને ભારે ઉત્સુક્તા રાજકીય પંડિતોમાં દેખાઈ રહી છે.

          દિલ્હીમાં વિધાનસભાની અવધી ૨૨મી ફેબ્રુઆરીના દિવસે પૂર્ણ થઈ રહી છે. દિલ્હીમાં સવારે મતદાનની શરૂઆત થયા બાદ કુલ ૬૭૨ ઉમેદવારોના ભાવિ ઇપીએમમાં સીલ થઇ ગયા હતા. હવે તેમના ભાવિ અંગે ૧૧મી ફેબ્રુઆરીના દિવસે જ માહિતી મળી શકશે. તમામ ઉમ્મેદવારોનો ભાવિનો ફેસલો કરવા માટે ૧૪૬૯૨૧૩૬ મતદારો પૈકી ૫૩થી ૫૬ ટકા મતદારો આજે બહાર નિકળ્યા હતા. આ વખતે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મતદારોમાં જાગૃતિ જગાવવા માટે ચૂંટણી બ્રાંડ એમ્બેસેડર તરીકે રમત ગમત, મીડિયા, ક્લાસિકલ ડ્રાન્સ સહિતના ક્ષેત્રોમાંથી છ સેલેબ્રિટિની પસંદગી કરી હતી.તમામ લોકો સારી રીતે જાણે છે કે દિલ્હીમાં ૫૮ જનરલ કેટેગરીની સીટો છે જ્યારે ૧૨ અનુસુચિતની સીટો છે. હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રચારનો ગુરુવારના દિવસે સાંજે અંત આવ્યો હતો. ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીયમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સહિત તમામ દિગ્ગજોએ જોરદાર પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રચારમાં ભાગ લીધો હતો.

          દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે રાષ્ટ્રીય મુદ્દાઓની અસર પણ જોવા મળે તેવી શક્યતા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એકબાજુ ભારતીય જનતા પાર્ટીએ સીએએ, કલમ ૩૭૦, આતંકવાદીઓના હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી, રામ મંદિર, ત્રિપલ તલાક સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. બાજુ આમ આદમી પાર્ટીએ તમામ સ્થાનિક મુદ્દાઓ પર લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા હતા.  રાજકારણમાં અપરાધી નેતાઓની એન્ટ્રી રોકવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા હોવા છતાં આને રોકવામાં સફળતા મળી નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આંકડા ઉપર નજર કરવામાં આવે તો ૩૫ ટકા ઉમેદવાર અપરાધિક છાપ ધરાવે છે. ૩૬ ટકા ઉમેદવાર કરોડપતિ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ૬૭૨ ઉમેદવાર પૈકી ૧૦૪ ઉમેદવારની સામે ગંભીર અપરાધિક કેસો રહેલા છે.

દિલ્હી ચૂંટણીનુ ચિત્ર....

નવીદિલ્હી, તા. ૮ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઇ હતી. આની સાથે જ તમામ ૬૭૨ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. શરૂઆતમાં કેટલીક જગ્યાએ મતદારોની લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએ મતદારોનો ઉત્સાહ દેખાયો ન હતો. તમામ જગ્યાએ શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. દિલ્હી ચૂંટણીની ચિત્ર નીચે મુજબ છે.

વિધાનસભાની કુલ સીટો.................................. ૭૦

સીટો પર મતદાન થયું.................................... ૭૦

મતદાનની ટકાવારી....................... ૫૩થી ૫૭ ટકા

ઉમેદવારોના ભાવિ સીલ થયા........................ ૬૭૨

કુલ મતદારો નોંઘાયા....................... ૧૪૬૯૨૧૩૬

પુરુષ મતદારો નોંઘાયા..................... ૮૦.૫૫ લાખ

કુલ મહિલા મતદારો નોંધાયા............ ૬૬.૩૫ લાખ

મતદાન મથક પર મતદાન ....................... ૨૭૦૦

મોડલ મતદાન મથકની સંખ્યા......................... ૭૦

પોલીસ જવાનો તૈનાત હતા...................... ૯૦૦૦૦

મતગણતરીની તારીખ................... ૧૧મી ફેબ્રુઆરી

(7:40 pm IST)