મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્હી ચૂંટણીઃ૧૧૦ વર્ષના કાલિતારા મંડલ અને ૧૦૭ વર્ષના વૃદ્ઘે પણ મતદાન કર્યુ

૧૯૦૮માં અવિભાજીત ભારતમાં જન્મેલા મંડલ બે વખત દેશના ભાગલના સાક્ષી રહ્યા છે

નવી દિલ્હી, તા.૮: દક્ષિણી દિલ્હીના ચિતરંજન પાર્કમાં ૧૧૦ વર્ષની એક મહિલાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહિલાનું નામ કાલિતારા મંડલ છે. મહિલાએ મતદાન કર્યા બાદ જણાવ્યું કે જયારથી તેમને મતદારકાર્ડ મળ્યું છે ત્યારથી તેમણે દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.

દિલ્હીના આ સૌથી વયોવૃદ્ઘ મતદારનો જન્મ બાંગ્લાદેશમાં થયો છે. ૧૯૦૮માં અવિભકત ભારતમાં જન્મેલા મંડલે દેશના બે વખત થયેલા ભાગલાના સાક્ષી રહ્યા છે. ભારતમાં જ તેઓ બે વખત તેમના પરિવાર સાથે શરણાર્થીની જેમ જીવ્યા છે. છેવટે રાજધાની દિલ્હીમાં ઠરીઠામ થયા હતા.

૧૧૦ વર્ષની આ મહિલાએ પોતાના તમામ દાંત ગુમાવી દીધા છે, પરંતુ ફિશ ખાવાની તેમની ઇચ્છાને અવશ્યપણે રોકી શકતા નથી. કાલિતારા ઉપરાંત સતાયુ વટાવી ચૂકેલા ૧૦૭ વર્ષના એક વૃદ્ઘે પણ દિલ્હીની ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ પણ આજ સુધી કયારેય મતદાન કરવાનું ચૂકયા નથી. મતાધિકારનો તેઓ ચોક્કસ પણે ઉપયોગ કરે છે. આમ દિલ્હી ચૂંટણીમાં સદી વટાવેલા મતદારોએ મતદાન કરીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની પણ સલાહ આપતો સંદેશ આપ્યો હતો.

(3:26 pm IST)