મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

રેટીંગ એજન્સી ICRAનું અનુમાન

GST વળતર ફંડમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ આવી શકે છે

નિયમ મુજબ કેન્દ્રએ રાજયોને જીએસટી વ્યવસ્થાના પહેલા પાંચ વર્ષ દરમિયાન ૧૪ ટકા વાર્ષિક ચૂકવણી કરવાની છે

નવી દિલ્હી તા. ૮ : રેટિંગ એજન્સી ICRAએ અનુમાન લગાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઓકટોબર ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ની વચ્ચે રાજયોને GST વળતરના આશરે ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ કરોડ રુપિયાની ચૂકવણી કરવાની છે. રેટિંગ એજન્સીનું માનવું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન જીએસટી વળતર ફંડમાં આશરે ૧૫થી ૨૫ હજાર કરોડ રુપિયાની ખોટ આવશે.

અંદાજા મુજબ  GST સંબંધિત નુકસાનને લીધે ઓકટોબર ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ વચ્ચે રાજયોને કરવાના વળતરની ચૂકવણી પેટે ૬૦થી ૭૦ હજાર કરોડ રુપિયા બેસે છે, જે કેન્દ્ર સરકારે માર્ચ ત્રિમાસિક સુધી કરવાનું છે.

નિયમ મુજબ કેન્દ્ર સરકારે રાજયોને જીએસટી વ્યવસ્થાના પહેલા પાંચ વર્ષ દરમિયાન ૧૪ ટકા વાર્ષિક ચૂકવણી કરવાની છે. સરકારે પહેલેથી જ આ વર્ષે જીએસટી કલેકશનમાં ૧૮ ટકા વધારોનું અનુમાન લગાવ્યું હતું. જયાં આ વર્ષે જાન્યુઆરી સુધી એમાં લગભગ પાંચ ટકાની વૃદ્ઘિ જોવા મળી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર સુધી કેન્દ્રએ રાજયોને વળતર રુપે આશરે એક લાખ કરોડ રુપિયા આપી ચૂકી છે.

ICRAના કોર્પોરેટ ક્ષેત્ર રેટિંગ સમૂહના પ્રમુખ જયંત રોય મુજબ ઓકટોબર ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન રાજયોને જીએસટી નુકસાન પર ૬૦થી ૭૦ હજાર કરોડ રુપિયાની ચૂકવણી કરવાની છે. ડિસેમ્બર ૨૦૧૯ સુધી વળતર ફંડમાં ઉપલબ્ધ રકમ ૧૭,૦૦૦ કરોડ રુપિયા હતી. ચોથી ત્રિમાસિકમાં ૨૮,૦૦૦ કરોડ રુપિયાનું વળતર જમા થાય એવુ અનુમાન છે. જે મુજબ ૨૦૧૯-૨૦માં વળતર ફંડમાં ૧૫થી ૨૫ હજાર કરોડ રુપિયા ઓછા રહેવાનું અનુમાન છે.

(11:36 am IST)