મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

દિલ્હીમાં મતદાન પહેલા મહિલા સબ ઇન્સપેકટરની ગોળી મારીને હત્યા

દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ

નવી દિલ્હી, તા.૮: રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં શુક્રવારે રાત્રે આશરે ૯.૩૦ કલાકે મહિલા સબ-ઇન્સ્પેકટર પ્રીતિ અહલાવતની એક યુવકે ગોળી મારીને હત્યા કરી દીધી છે. પ્રીતિ પૂર્વી દિલ્હીના પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તૈનાત હતી. રાતના સમયે તે પોતાની ડ્યૂટી પૂરી કર્યા બાદ મેટ્રોથી પૂર્વી રોહિણી મેટ્રો સ્ટેશન પર પહોંચી અને પછી પોતાના દ્યરતરફ ચાલીને જઈ રહી હતી.

પ્રીતી માંડ ૫૦ મીટર દૂર ગઈ હતી, ત્યારે પાછળથી એક યુવક આવ્યો અને તેણે આશરે પ્રીતિ પર ત્રણ રાઉન્ડ ગોળી ચલાવી દીધી હતી. પ્રીતિને બે ગોળી વાગી, જયારે એક ગોળી બાજીમાંથી પસાર થઈ રહેલી કારના કાચમાં વાગી હતી. પ્રીતિને એક ગોળી માથામાં વાગી હતી. ત્યારબાદ પ્રીતિ પડી ગઈ અને ઘટનાસ્થળે તેનું મોત થયું હતું.

ત્યારબાદ હુમલો કરનાર ભાગી ગયો હતો. ઘટના સ્થળ પરથી કોઈએ પોલીસને ૧૧૨ પર કોલ કરીને જાણકારી આપી હતી. પોલીસે જયારે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે મૃત્યુ પામનાર મહિલા સબ-ઇન્સ્પેકટર છે. દ્યટનાસ્થળ પર ફોરેન્સિક સાયન્સની ટીમને બોલાવવામાં આવી હતી. ફોરેન્સિકની ટીમે ત્યાંથી પૂરાવાઓ એકત્રીત કર્યાં છે.

જે જગ્યા પર પ્રીતિની હત્યા થઈ ત્યાંથી પ્રીતિનું દ્યર નજીક છે. સોનીપતની રહેનારી પ્રીતિ ભાડાનું ઘર લઈને રોહિણીમાં રહેતી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કેટલાક સીસીટીવી પણ મળ્યા છે, જેમાં સ્પષ્ટ થયું કે આરોપી એકલો હતો અને ચાલીને આવતો હતો.

સીસીટીવી ફુટેજના આધાર પર પોલીસનું કહેવું છે કે તે ઝડપી આરોપીની ધરપકડ કરી લેશે. પોલીસની ટીમ તે કેસની પણ જાણકારી મેળવી રહી છે જેની તપાસ પ્રીતિની પાસે હતી.

૨૦૧૮ની બેન્ચની પ્રીતિની હત્યા કેમ થઈ અને હત્યારો કોણ હતો? પોલીસ હજુ આ વિશે કોઈ માહિતી આપી રહી નથી, પરંતુ ચૂંટણી પહેલાની રાત્રે મહિલા પોલીસની હત્યાએ દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ જરૂર ઉભા કર્યાં છે.

(10:06 am IST)