મુખ્ય સમાચાર
News of Saturday, 8th January 2022

12મી જાન્યુઆરીએ ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 14મો રાઉન્ડ

પૂર્વ લદ્દાખ પાસે આવેલા એલએસી પરના હોટ સ્પ્રિંગ અને અન્ય વિવાદિત વિસ્તારોમાં વાતચીત થવાની સંભાવના

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 14મો રાઉન્ડ 12 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. લગભગ ત્રણ મહિના બાદ બંને દેશો વચ્ચે આ બેઠક યોજાવા જઈ રહી છે. છેલ્લી બેઠક ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં યોજાઈ હતી. 12મીએ યોજાનારી બેઠકમાં પૂર્વ લદ્દાખને અડીને આવેલા એલએસી પરના હોટ સ્પ્રિંગ અને અન્ય વિવાદિત વિસ્તારોમાં વાતચીત થવાની સંભાવના છે.

જો કે આ બેઠકને લઈને ભારત અને ચીન તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર, બંને દેશો 12 જાન્યુઆરીએ યોજાનારી બેઠક માટે સહમત થયા છે.

આ બેઠક એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ચીન તરફથી ગાલવાન ખીણમાં નવા વર્ષના ધ્વજ ફરકાવવા અને તેની એક ઈંચ પણ જમીન ન આપવાના અવસર પર ઘણા પ્રોપેગન્ડા વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા.

જો કે, ચીનના વીડિયોનો સામનો કરવા માટે, ભારતે ગાલવાન ખીણમાં ભારતીય સેનાની નિરીક્ષણ ચોકી પર તૈનાત સૈનિકોના હાથમાં ત્રિરંગા સાથેની તસવીરો પણ જાહેર કરી.

મીટિંગના 14મા રાઉન્ડમાં, લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ અન્નાડેય સેનગુપ્તા ભારત તરફથી ભાગ લેશે. સેનગુપ્તાએ આ અઠવાડિયે જ કોર્પ્સનો ચાર્જ સંભાળ્યો હતો.

(12:00 am IST)