મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

અમેરિકા, બ્રિટન અને ચીનમાં પહેલાથી જ છે

દેશમાં સરાફા બેંક ખુલે તેવી શકયતા : વિચારણા શરૂ થઇ

ઘર બેઠા બેઠા ગોલ્ડન લોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે

નવી દિલ્હી,તા. ૮: દેશમાં સરાફા બેંક (ગોલ્ડ બેંક) ખુલે તેવી શક્યતા દેખાઇ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા સરકારને દેશમાં બુલિયન બેકિંગ શરૂ કરવા માટેની સલાહ આપી છે. જેના પર વિચારણા ચાલી રહી છે. હાલમાં દેશમાં બેંકો સોનાની આયાત કરી રહી છે. સાથે સાથે સોના પર લોન પણ આપી રહી છે. આ રીતે હાલમાં સરાફા બેંક અથવા તો બુલિયન કામગીરી કેટલાક લોકો સુધી જ મર્યાદિત છે. જો કે આગળ ચાલીને સરકાર સુવર્ણ નીતિની જાહેરાત કરી શકે છે. સાથે સાથે સ્પોટ એક્સચેંજ  સહિત વધુ સુધારાને પણ અમલી કરનાર છે. જેથી બેકિંગ ક્ષેત્રની ભૂમિકાનુ પણ વિસ્તૃણ થાય તે જરૂરી છે. ચીન બાદ ભારત દુનિયામાં સૌનાના આયાતના મામલે સૌથી આગળ છે. ભારતમાં બુલિયન બેકિંગની જરૂરિયાતને લઇને એક વ્યાપક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ તેના પર વિચારણા ચાલી રહી છે. તે ટુંક સમયમાં જ હવે નાણાં મંત્રાલય, રિઝર્વ બેંક અને સેબીને વિચારણા માટે આ મામલો સોંપી શકે છે. સોનાને દુનિયાના કોઇ પણ દેશમાં સરળતાથી કેશમાં ફેરવી શકાય છે. અમેરિકા, બ્રિટન અને ચીન જેવા દેશોમાં આ પ્રકારની બેંકો રહેલી છે. હવે ભારતમાં પણ તેની શરૂઆત કરવામાં આવનાર છે. દુનિયાભરમાં સરાફા બેંક અથવા તો બુલિયન માર્કેટ ખુબ જોરદાર રીતે ચાલે છે. સરાફા બેંકોના સંચાલનમાં ૧૪ હજાર કરોડ રૂપિયાનો કારોબાર છે. કેટલાક નિષ્ણાંતો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.ભારતમાં પણ જો આવી બેંકો શરૂ થશે તો લોકોને ચોક્કસપણે ફાયદો થઇ શકે છે. ગોલ્ડ ઇન્સ્યોરન્સ જેવી સેવાઓ પણ વધારે વિસ્તૃત બની જશે. ગોલ્ડ ડિપોઝિટ  સ્કીમ્સ જેવી સુવિધા ઉપલબ્ધ રહેશે. ઘર બેઠા ગોલ્ડ લોન ે જેવી ઉપયોગી સુવિધા હાથ લાગી શકે છે.

(4:12 pm IST)