મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

તમિલનાડુઃ પુત્રી પર રેપ કરનારા પિતાને છેલ્લા શ્વાસ સુધીની જનમટીપની સજા

મહિલા જજ એઝહિલાર્સીએ આક્રોશ વ્યકત કરતાં કહ્યું કે આ માણસ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં સબડે એેવી સજા એને કરવામાં આવે છેઃ સમગ્ર કોર્ટમાં આ ચુકાદાથી સન્નાટો છવાઇ ગયો હતો

તાંજોર (તામિલનાડુ) તા.૮: તાંજોરની એક મહિલા કોર્ટે ૩૧ વર્ષના એક પિતાને સગીર વયની પોતાનીજ પુત્રી પર વારંવાર રેપ કરવા માટે એક સાથે ચાર જનમટીપની સજા ફરમાવી હતી. મહિલા જજે કહ્યું હતું કે આ માણસ મરે ત્યાં સુધી જેલમાં સડવો જોઇએ.

કુમાર તરીકે ઓળખાવાયેલો આ આરોપી પોતે બજારુ સ્ત્રીઓ સાથેના સહવાસને કારણે એચઆઇવી ગ્રસ્ત હતો. મંગળવારે એને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે મહિલા જજ એઝહિલાર્સીએ આક્રોશ વ્યકત કરતાં કહ્યું કે આ માણસ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં સબડે એેવી સજા એને કરવામાં આવે છે. સમગ્ર કોર્ટમાં આ ચુકાદાથી સન્નાટો છવાઇ ગયો હતો.

મહિલા કોર્ટે રાજય સરકારને એવો આદેશ આપ્યો હતો કે આ બાળકીની સારવાર માટે રાજય સરકારે એને પાંચ લાખ રૂપિયા ફાળવવા. નામદાર જજે કહ્યું કે સગીર પુત્રી પર રેપ કર્યા બાદ કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની આપેલી ધમકી ચોરી પર સિનાજોરી જેવી હતી. એ માટે એને વધુ છ માસની જેલની સજા કરવામાં આવે છે.

તાંજોર જિલ્લાના મધુકરઇ ગામમાં રોજદાર તરીકે મજૂરી કરતો કુમાર નામધારી આ આરોપી છેલ્લા થોડા સમયથી દસ વર્ષની પુત્રી પર નિયમિત રેપ કરતો હતો અને ઉપરથી એને મારપીટ પણ કરતો હતો. એ પુત્રીને ધમકાવતો કે કોઇને કહીશ તો મારી નાખીશ.

કોર્ટના આદેશથી પોલીસે આ કિસ્સાની વધુ વિગતો અને ઓળખ જાહેર કર્યાં નથી.

(4:06 pm IST)