મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

જેએનયુ હિંસા મામલે તપાસનો ધમધમાટ : મોબાઈલ વડે બનાવેલી 100 વિડિઓ ક્લિપ્સ મળી : હિંસા કરવા હાકલ

ક્રાઇમ બ્રાન્ચે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લઇને તેમનાં નિવેદનો નોંધ્યા

નવી દિલ્હી : નાગરિકતા અંગેના નવા કાયદા વિરોધી દેખાવો દરમિયાન JNUમાં થયેલી હિંસાની તપાસ નવી દિલ્હીના પોલીસ તંત્રની ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી.

એક પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે હિંસા પૂર્વાયોજિત હતી એવી શંકાને દ્રઢ  બનાવતી મોબાઇલ ફોન વડે બનેલી ઓછામાં ઓછી 100 વિડિયો ક્લીપ્સ મળી હતી. એમાં હિંસા કરવાની હાકલ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ મંગળવારે JNUની મુલાકાતે ગયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લઇને તેમનાં નિવેદનો નોંધવાનો આરંભ કર્યો હતો.

મંગળવારે પણ JNU કેમ્પસમાં એક પ્રકારનો તનાવ હતો. જો કે કેમ્પસની અંદર અને બહાર જબરદસ્ત પોલીસ બંદોબસ્ત હતો. JNUના મુખ્ય ગેટ પરનો ગંગનાથ માર્ગ મંગળવારે પણ વાહન વ્યવહાર માટે બંધ હતો. પોલીસ પ્રવક્તાએ એવી માહિતી આપી હતી કે હિંસામાં પચાસથી વધુ વિદ્યાર્થીઓ ઇજા પામ્યા હતા. એમાંથી 14 વિદ્યાર્થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અને 25 વિદ્યાર્થીઓ ડાબેરી જૂથોના હતા. દસબાર વિદ્યાર્થીઓ નિષ્પક્ષ જણાયા હતા. એ કોઇ પણ જૂથ કે પક્ષના નહોતા.

સૌથી મહત્ત્વની વાત એ હતી કે JNU કેમ્પસમાંથી પોલીસને સીસીટીવીના કોઇ ફૂટેજ મળ્યા નહોતા કારણ કે હિંસાખોરોએ સીસીટીવીના કેમેરા તોડીફોડી નાખ્યા હતા. પોલીસે થોડા ચશ્મદીદ સાક્ષીઓ પણ શોધી કાઢ્યા હતા અને તેમનાં નિવેદનો પણ નોંધ્યા હતા.

(2:09 pm IST)