મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

પાડોશી દેશોના એ મુસ્લિમો શરણાર્થી નહીં, ઘુસણખોર તરીકે આવ્યા યુપીના મંત્રી સુરેશ પાસીએ વિવાદ છેડ્યો

એ લોકો ગેરકાયદે ઘુસણખોરી કરે છે અને પછી આતંકવાદ ફેલાવવાનું કામ કરે છે.

લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારના એક પ્રધાન સુરેશ પાસીએ કહ્યું હતું કે પાડોશી દેશોમાંથી આપણે ત્યાં આવતા મુસ્લિમો શરણાર્થી તરીકે નથી આવતા, ઘુસણખોર તરીકે આવે છે અને પછી આતંકવાદ ફેલાવે છે.

નાગરિકતા અંગેના નવા કાયદા વિશે વિપક્ષો દ્વારા ફેલાવાતી ગેરસમજો દૂર કરવા ભાજપે રાષ્ટ્રીય કક્ષાએ પ્રચાર ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. દેશભરમાં ભાજપ આ કાયદાની સાદી સરળ સમજ આપવા રેલીઓ અને અન્ય કાર્યક્રમો હાથ ધરવાનો હતો. એ પહેલં ભાજપના સુરેશ પાસી જેવા નેતાઓએ બેફામ વાણીવિલાસ શરૂ કરી દીધો હતો.

ઝાંસીમાં એક રેલીને સંબોધતાં પાસીએ કહ્યું કે પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લા દેશમાંથી આવતા હિન્દુ, જૈન, બૌદ્ધ અને ઇસાઇ લોકો ત્યાં અત્યાચારનો ભોગ બનીને ત્રાસીને અહીં આવે છે. મુસ્લિમો એ રીતે શરણાર્થી તરીકે નથી આવતા, એ લોકો ગેરકાયદે ઘુસણખોરી કરે છે અને પછી આતંકવાદ ફેલાવવાનું કામ કરે છે.

સુરેશ પાસી ઉત્તર પ્રદેશમાં શેરડી વિકાસ અને સાકર ઉદ્યોગ ખાતાના રાજ્ય પ્રધાન છે.

પાસીના આ વિધાનથી ઊલટી ગેરસમજ વધવાની શક્યતા છે એમ રાજકીય નિરીક્ષકોએ કહ્યું હતું. સોમવારે હરિયાણામાં ભાજપના ધારાસભ્ય કૃષ્ણ મિડ્ડાએ કહ્યું હતું કે આ દેશમાં રહીને આ દેશના ગુણગાન ન ગાય એવા લોકોને આ દેશમાં રહેવાનો અધિકાર રહેતો નથી. એમને અહીંથી હાંકી જ કાઢવા પડશે. ભાજપી નેતાઓનાં આવાં વિધાનો નાગરિકતા અંગેના નવા કાયદા વિશે વધુ ગેરસમજ ફેલાય છે.

(1:59 pm IST)