મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ભારત બંધ વેળા અનેક જગ્યાએ તોડફોડ અને હિંસા : ટ્રેન રોકાઈ

દિલ્હી સહિત મોટાભાગના શહેરોમાં બંધ બિનઅસરકારક રહ્યું : પસ્ચિમ બંગાળ, કેરળ અને ઓરિસ્સામાં ટ્રેનો રોકવાના પ્રયાસ : કુચબિહારમાં બસમાં તોડફોડ : સઘન સુરક્ષા વચ્ચે મોટાભાગના રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો

નવી દિલ્હી, તા. ૮ : ટ્રેડ યુનિયનોની હડતાળના કારણે દેશના કેટલાક ભાગોમાં જરૂરી સેવા ખોરવાઈ હતી પરંતુ મોટાભાગના શહેરોમાં જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું અને બંધની કોઇ અસર દેખાઈ ન હતી. જુદી જુદી માંગણીઓને લઇને ૧૦ ટ્રેડ યુનિયનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના લીધે બેંકિંગ, પરિવહન સહિતની સેવાઓ ઉપર અસર જોવા મળી હતી પરંતુ સ્થિતિ એકદમ સામાન્ય રહી હતી. ૨૫ કરોડથી વધુ લોકો આજે હડતાળનો હિસ્સો બન્યા હતા. દિલ્હી સહિત મોટાભાગના શહેરોમાં બંધની અસર દેખાઈ ન હતી. મુંબઈની લાઇફલાઈન સમાન લોકલ ટ્રેનો ચાલુ રહી હતી. બેસ્ટની બસો પણ ચાલુ રહી હતી. શિવસેનાના સમર્થન બાદ પણ કોઇ અસર દેખાઈ ન હતી. જરૂરી સેવા યથાવત રહી હતી. શિવસેનાએ કેન્દ્ર સરકારની નીતિઓ અને નિર્ણયોને લઇને બંધને સમર્થન આપ્યું હતું પરંતુ મુંબઈમાં કોઇ અસર દેખાઈ ન હતી. શિમલામાં હિમવર્ષા વચ્ચે પણ લોકો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં રેલી યોજવામાં આવી હતી. વિજયવાડામાં રાધમ સેન્ટરથી રેલી યોજવામાં આવી હતી. ભાજપ શાસિત રાજ્યોમાં બંધની અસર નહીંવત દેખાઈ હતી જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં બંધની અસર દેખાઈ હતી.

             બંગાળમાં દેખાવકારોએ હાવડામાં રેલવે ટ્રેકને નુકસાન કર્યું હતું જેથી યાત્રીઓને મુશ્કેલી નડી હતી. બીજી બાજુ બંગાળના જ ઉત્તરીય ચોવીસપરગનામાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના કુચબિહારમાં બંધ દરમિયાન દેખાવકારોએ બસમાં તોડફોડ કરી હતી. સિલિગુડીમાં બસ ડ્રાઇવરે હેલ્મેટ પહેરીને બસ ચલાવી હતી. અમૃતસરમાં રેલવે ટ્રેકને નુકસાન કરવાના પ્રયાસો કરાયા હતા. ઝારખંડ અને બિહારમાં મિશ્ર સ્થિતિ રહી હતી. ઉત્તરપ્રદેશમાં આની અસર દેખાઈ ન હતી.કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓની સામે ૧૦ ટ્રેડ યુનિયનો તરફથી આજે ભારત બંધની હાકલ કરવામાં આવ્યા બાદ કેટલીક જગ્યાએ તેની અસર દેખાઇ હતી. ભારત બંધની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં સરકારી બેંકો, ટ્રાન્સપોર્ટ અને બીજી સેવાને અસર થઇ હતી. કેટલીક જગ્યાએન ટ્રેનો રોકવામાં આવી હતી. જોરદાર દેખાવ કરવામાં આવ્યા હતા. દેશવ્યાપી હડતાળમાં ભાગ લઇ રહેલા અનેક સંગઠનો દ્વારા દાવો કરાયો હતો કે, ૬૦ સ્ટુડન્ટ યુનિયનો પણ સામેલ હતા. ૯મી જાન્યુઆરીના દિવસે પણ આની અસર થઇ શકે છે. બેંક ઓનલાઈન બેંકિંગની સુવિધા ઉપર પણ આની કોઇ અસર દેખાઇ રહી નથી. એક પક્ષીય શ્રમ સુધારા અને વર્કર વિરોધી નીતિઓના પરિણામ સ્વરુપે આ હડતાળ કરવામાં આવી હતી. ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે હાથ મિલાવવામાં આવ્યા હતા.            હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાયા હોવાનો દાવો કરાયો હતો. ફોર્મલ અને ઇનફોર્મલ સેક્ટરમાં સૌથી વધુ સંખ્યામાં વર્કરો આ હડતાળમાં સામેલ થયા હતા.

         ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી હતી. ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ,  ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરોએ પણ હડતાળને ટેકો આપ્યો હતો. બીજી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પણ હડતાળ ઉપર ગયા હતા. સરકાર રોજગારીની તકો ઉભી કરવામાં નિષ્ફળ રહી છે.

       યુનિયનોની ૧૨ મુદ્દાની માંગણીની અવગણના કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલાસીતારામનના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરે ચર્ચા માટે ક્યારે પણ યુનિયનોને બોલાવ્યા નથી જેથી હડતાળ ઉપર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ ન રહેતા હડતાળ પડાઈ હતી. દરમિયાન સૌથી વધારે અસર કોલકાતા અને બંગાળમાં રહી હતી. બસમાં આગ ચાંપવામાં આવી હતી. પોલીસ વાહનો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયાસ થયા હતા. પોલીસે ટોળાને અલગ પાડવા પાણીનો મારો ચલાવ્યો હતો. ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. દેખાવકારોએ ટાયરો પણ સળગાવ્યા હતા.

બંધની સાથે સાથે........

*   દેશના જુદા જુદા ભાગોમાં જોરદાર વિરોધ પ્રદર્શન

*   બંગાળમાં પોલીસ વાહન અને બસમાં તોડફોડ કરાઈ

*   સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયાસો

*   મુંબઈમાં લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા યથાવત જારી

*   શિવસેનાએ બંધને સમર્થન આપ્યું હોવા છતાં મુંબઈમાં બંધની કોઇ અસર ન દેખાઈ

*   દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે લોકો જાહેર રસ્તા પર ન દેખાયા

*   કર્ણાટક અને ગુજરાતમાં બંધની કોઇ અસર દેખાઈ નથી

*   આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં રેલીઓ થઇ

       *    ૧૦ ટ્રેડ યુનિયનોની હડતાળથી બેકિંગ સેવાઓ પર અસર

(7:48 pm IST)